અમરેલી

સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા યોજાયેલ 351મો વિના મૂલ્યે નેત્ર યજ્ઞ

સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા સમાજસેવાના પવિત્ર ધ્યેયને સાકાર કરતાં દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિનામૂલ્યે નેત્ર નિદાન યજ્ઞ અંતર્ગત તા. 02-10-2026 ના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં 351 મા વિનામૂલ્યે મહા નેત્ર નિદાન યજ્ઞનું  આયોજન કરવામાં આવ્યું હતું. વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ નેત્રરોગ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કુલ 70 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 22 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેમને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિરનગર આંખ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ચશ્મા અને દવાઓની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નેત્રયજ્ઞનું દીપપ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દાતા શ્રીમતી ભારતીબેન મનુભાઈ કોરડીયા – ડલાસ અમેરિકા,વિરનગર હોસ્પિટલના ડોક્ટર, ગુરુકુળ હોસ્પિટલના ડૉ. નિલેશભાઈ ત્રિવેદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. સંસ્થાના કોઠારી પૂજ્ય અક્ષરમુક્તદાસજી સ્વામીના માર્ગદર્શન અને સાનિધ્યમાં સમગ્ર નેત્રયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.  નેત્રયજ્ઞને સફળ બનાવવા સંસ્થાના સંતો, કર્મચારીઓ અને સેવકોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દી નારાયણોને ચા સાથે જલેબી, ફાફડા , મરચા સંભારા સહિતનો સ્વાદિષ્ટ નાસ્તો પીરસવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે નેત્રસેવાનો આ મહાયજ્ઞ સતત આયોજિત કરી હજારો જરૂરિયાતમંદ દર્દીઓને નવી દ્રષ્ટિ અને જીવનમાં નવી આશા પ્રદાન કરી રહ્યું છે. સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિ સમાજમાં માનવસેવા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts