૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં શું તફાવત છે..?
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ’હર ઘર ત્રિરંગા’ લહેરાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું છે, ત્યારે દેશવાસીઓમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી રાષ્ટધ્વજ ઘરે ઘરે ફરકાવીને રાષ્ટ પ્રેમ દર્શાવવા માટે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુયારીના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં શું તફાવત છે..? તેના વિશે જાણવું ખૂબ જ રસપ્રદ થઇ પડશે…
દર વર્ષ ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસનાં દિવસે એટલે કે, ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે, પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવવાની રીત અલગ-અલગ હોય છે.
બંને દિવસો ભારત દેશનાં નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૧૫ ઓગસ્ટના રોજ જ્યાં આખો દેશ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને આઝાદીની ઉજવણી કરે છે. જ્યારે ૨૬ જાન્યુઆરીના રોજ આપણને આપણાં બંધારણ અને લોકશાહીના મહત્વની અનુભૂતિ કરાવે છે. વર્ષના આ બંને પ્રસંગોએ દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ બંને વચ્ચે કેટલાક તાત્વિક ભેદ છે.
પ્રથમ ભેદ જોઈએ તો ૨૬ જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં યોજાનારા વિશેષ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. જ્યારે ૧૫ ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે.
બીજો તફાવત જોઈએ તો, ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે મુખ્ય ઇવેન્ટ નવી દિલ્હીમાં યોજવામાં આવે છે છે. પરંતુ સ્થળ બદલાય છે. જેમ કે ૨૬ જાન્યુઆરીએ રાજપથ / ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવે છે. જ્યારે ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
ત્રીજો તફાવત રાષ્ટ્રધ્વજ લહેરાવવાની રીતનો છે. ૧૫ ઓગસ્ટે, ત્રિરંગો (નીચે બંધાયેલો હોય છે) તેને ઉપરની તરફ લઇ જઇને લહેરાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં ફ્લેગ હોસ્ટિંગ (ધ્વજારોહણ) કહેવામાં આવે છે. જ્યારે ૨૬ જાન્યુઆરીએ ધ્વજ ઉપર જ બાંધેલો હોય છે અને તેને ત્યાં જ ફરકાવવામાં આવે છે. જેને ફ્લેગ અનફર્લિંગ કહેવામાં આવે છે.
રાષ્ટ્રપતિએ ભારત દેશના બંધારણીય વડા છે અને વડાપ્રધાનને રાજકીય વડા કહેવામાં આવે છે. ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું હતું. તેથી આ દિવસની પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
૨૬ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. જ્યારે ૧૫ મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ લહેરાવે છે.સમગ્ર રાષ્ર્ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાં જઇ રહ્યું છે ત્યારે ચાલો આપણે પણ તેમાં સહભાગી થઇએ અને દેશના ગૌરવની ઘડીના સહયાત્રી બનીએ
Recent Comments