જીવનમાં રક્તદાનનું ખૂબ મહત્ત્વ છે જ્યારે મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન. સાવરકુંડલા શહેરના વિપ્ર દંપતિ અને સાવરકુંડલા ખાતે અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ નાનાલાલ જોષી અને તેમના ધર્મપત્ની ગીતાબેન ભરતભાઈ જોષી બંને જીવતે જીવ તો સમાજસેવા કરે છે પરંતુ પોતાના મૃત્યુ પામ્યા બાદ પણ પોતાના આ દેહ લોકોપયોગી કાર્યમાં મદદરૂપ થાય તેવા આશય સાથે બંનેએ દેહદાનનો નિર્ણય કર્યો છે. આ દેહદાન એ વ્યક્તિની સેવાકીય ભાવનાની પરિકાષ્ઠા દર્શાવે છે આ સંદર્ભે ભરતભાઈ અને ગીતાબેન બંનેએ પોતાના મૃત્યુ પામ્યા બાદ દેહદાનનો નિર્ણય ખરેખર સમાજના અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બને એવા પ્રયાસો જરૂરી છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં દેહદાન કરવું એ ખરેખર હિંમતભર્યો નિર્ણય કહેવાય..
પરંતુ ભરતભાઈ જોષી અને તેમના ધર્મપત્ની ગીતાબેન ભરતભાઈ જોષી આ સાહસિક નિર્ણય લઈને સમાજને જીવન બાદ પણ સમાજને ઉપયોગી થઈ શકાય છે તેવો સંદેશ ગુંજતો કર્યો છે. પોતાના દેહદાન માટેની તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે કે વ્યક્તિ ધારે તો પોતાના મૃત્યુ પામ્યા પણ સમાજને ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે ઘણીવખત વ્યક્તિ પોતે દેહદાનનો નિર્ણય લે તે માટે કુટુંબના સૌથી નજીકના સભ્યોની પણ સંમતિ હોવી જરૂરી હોય વ્યક્તિના સૌથી નજીકના સંબંધીએ સંમતિ આપવી એ પણ એક વિરલ ઘટના જ કહેવાય. જો કે કબીરજીના શબ્દોમાં કહીએ તો *કાહે કરે કાયા કા અભિમાન કાયા ગાર સે કાચી..!* એ જીવનદર્શનને સાર્થક કરી આ નશ્વર દેહ જો કોઈના ઉપયોગમાં લઈ શકાય તો એનાથી વિશેષ રૂડું પણ શુ? જો કે વાત કરવી સહેલી છે પરંતુ અમલીકરણમાં મૂકવા માટે પણ હૈયું હેમનું જોઈએ હોં ભાઈ…
આ તકે ભરતભાઈ જોષીનો ટૂંકો પરિચય આપું તો ઘણાં વર્ષો સુધી સાવરકુંડલાની સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સંચાલિત માધ્યમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવી સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાના સહમંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે. તો ગીતાબેન જોષી પણ એક આદર્શ શિક્ષિકા તરીકે ફરજ બજાવી હાલ નુતન કેળવણી મંડળ સાવરકુંડલાના સભ્ય તરીકે સાવરકુંડલા શહેરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંદર્ભે વિકાસ થાય એવા ભરપૂર પ્રયાસો કરતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરમાં જોષી દંપતિના આ નિર્ણયની ભારે પ્રશંસા થઈ રહી છે. સાવરકુંડલા રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા ચેરમેન ડો. વડેરા સાહેબે તેમના આ પરોપકારી નિર્ણયને વધાવ્યો હતો.


















Recent Comments