ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ અને શ્રી મહાવીર જૈન ચારિત્ર્ય કલ્યાણ રત્નાશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ૨૦મા ગુજરાત રાજ્યકક્ષાના ગણિત મહોત્સવ–૨૦૨૬માં શ્રી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
નાસા, ઈસરો અને દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી દુધાત જય ભાવેશભાઈએ ગણિત પ્રોજેક્ટમાં સમગ્ર ગુજરાતમાં બીજો (૨જો) ક્રમ મેળવ્યો હતો. જ્યારે ગણિત ક્વિઝ સ્પર્ધામાં હેલૈયા મુકુંદ અને દેગામા પ્રિન્સે રાજ્યકક્ષાએ ૬ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો હતો. વિજેતાઓને શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સફળતા બદલ શાળાના આચાર્ય શ્રી ઉમેશભાઈ કોઠીયા અને માર્ગદર્શક શિક્ષક શ્રી જયદીપભાઈ સાદરાણીના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાએ શાળા અને ગામનું નામ રોશન કરી પરત ફરેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકનું મોટા ઝીંઝુડા ગામે સરપંચ, પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાના નાદ અને પુષ્પહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું


















Recent Comments