અમરેલી

આદર્શ આચારસંહિતા અમલવારી અંતર્ગત મતદાનના દિવસે વાહનોનાં દુરઉપયોગ પર પ્રતિબંધ રહેશે

 અમરેલી જિલ્લામાં લોકસભા  સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ અને મતગણતરી તા.૦૪ જૂન-૨૦૨૪ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતાનું અમલીકરણ કરવાની સૂચના છે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે અનિવાર્ય છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ ૧૪૪ અંતર્ગત  મતદાનના દિવસે વાહનોનાં દુરઉપયોગ પર પ્રતિબંધાત્મક આદેશો સાથેનું જાહેરનામું અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. કોઈપણ રાજકીય પક્ષ કે બિનરાજકીય પક્ષ કે તેમનાં ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઈપણ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

ચૂંટણી લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે આ પ્રમાણે વાહનોનો ઉપયોગ કરી શકશે. ઉમેદવારે પોતાના ઉપયોગ માટે મદતાર વિભાગ પૂરતું એક વાહન ઉપયોગમાં લઈ શકશે. ચૂંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પુરતું એક વાહન ઉપયોગમાં લઈ શકશે. યથાપ્રસંગ ચૂંટણી એજન્ટ અથવા કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોનાં ઉપયોગ માટે પ્રત્યેક સોકસભા મતદાર વિભાગ દીઠ એક વાહન વાપરવા હક્કદાર રહેશે. આ માટે ઉપયોગમાં લેવામાં આવનાર વાહન લોકસભા ઉમેદવારે તેના સક્ષમ અધિકારીશ્રી પાસે નોંધણી કરાવવાનું રહેશે. નોંધણી કરાવ્યું હોય તેવા વાહનની પરમીટ મેળવી તે અસલ પરમીટ વાહનની ઉપર સહેલાઈથી દેખાઈ આવે તે રીતે વીન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. મતદાનના દિવસે જો ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે મંજૂરી માટે અપાયેલ વાહન અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા વાપરી શકાશે નહીં. આ હુકમ સમગ્ર જિલ્લામાં લાગુ પડશે.  આ જાહેરનામું મતદાનની તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ સમગ્ર દિવસ દરમિયાન અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર છે.

Related Posts