અમરેલી

સાવરકુંડલા શાક માર્કેટમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ: નગરપાલિકાની ટીમે રાત્રે ૧ વાગ્યા સુધી જેસીબી મશીનરી સાથે યુદ્ધના ધોરણે કામગીરી કરી સમસ્યા હલ કરી

સાવરકુંડલા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે શાક માર્કેટ વિસ્તારમાં ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી અને કાદવ જમા થવાને કારણે શાક માર્કેટના વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ગંભીર સમસ્યા અંગે શાક માર્કેટ વેપારી મંડળ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.

​વેપારીઓની આ રજૂઆતને તાત્કાલિક ધ્યાનમાં લઈને સાવરકુંડલા નગરપાલિકાની ટીમ મોડી રાત્રે જ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ હતી. વેપારીઓની સુવિધા જળવાઈ રહે અને સવારના સમયે બજારની કામગીરી તેમજ રોજીરોટીને કોઈ અસર ન થાય તેવા ઉમદા હેતુથી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ રાત્રિના સમયે જ જેસીબી (JCB) મશીનરી અને જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી.

​રાત્રિના આશરે ૧ વાગ્યાના સુમારે, શાક માર્કેટ વેપારી મંડળના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકાની ટીમે જેસીબી મારફતે રસ્તા પરથી કચરો, ગારો અને માટીના થર દૂર કરવા માટે સતત ફેરા નાખીને ગંદા પાણીનો નિકાલ કરેલ. રાતભર ચાલેલી આ સખત કામગીરી બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુધારી દેવામાં આવી હતી અને કામગીરી પૂર્ણ કરાઈ હતી.

​નગરપાલિકાની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીને શાક માર્કેટના વેપારી મંડળ તેમજ સ્થાનિક અગ્રણીઓએ ખુલ્લા દિલથી આવકારી હતી અને મુશ્કેલીના સમયે રાત્રે પણ દોડી આવીને સમયસર નિકાલ કરવા બદલ પાલિકા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પાલિકાની ટીમ  સતત કાર્યરત છે.

Related Posts