અમરેલી

સાવરકુંડલામાં આફત બની પર્યટન સ્થળ? બેઠકજી અને શાશ્વત સ્કૂલ રોડ પર ભરાયા તળાવ જેવા પાણી!

ચોમાસાની સીઝન શરૂ થતાં જ સાવરકુંડલા શહેરમાં પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સામાન્ય રીતે ‘ઊંધી રકાબી’ જેવા ભૌગોલિક આકાર ધરાવતા સાવરકુંડલા શહેરમાંથી પાણી ઝડપથી વહી જતું હોય છે, પરંતુ શહેરના ઢાળવાળા વિસ્તાર સમાન બેઠકજી અને શાશ્વત સ્કૂલ તરફ જતા રસ્તા પર હાલ કંઈક જુદો જ અને ચિંતાજનક નજારો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાની બાજુમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

​આ જળભરાવ પાછળનું મુખ્ય કારણ નાવલી નદીના કિનારે બની રહેલ રિવરફ્રન્ટની મજબૂત પ્રોટેક્શન વોલ હોવાનું સામે આવ્યું છે. આ અડીખમ દિવાલ ચટ્ટાન બનીને ઊભી રહી ગઈ હોવાથી વરસાદી પાણી આગળ નદીમાં વહી શકતું નથી અને પાછળના ભાગમાં જમા થઈ રહ્યું છે. આ ભરાયેલા પાણીના દ્રશ્યને જો ઝૂમ કરીને બારીકાઈથી જોવામાં આવે, તો પાણીની વચ્ચે રહેલો વિસ્તાર જાણે કોઈ ટાપુ (દ્વિપ) હોય તેવો ભાસ થાય છે!

સ્થાનિક રહીશોમાં આ સ્થિતિને લઈને ભારે આક્રોશ છે, તો સાથે જ લોકો તંત્રની આ લાપરવાહી પર કટાક્ષ પણ કરી રહ્યા છે. લોકો ગણગણાટ કરી રહ્યા છે કે, “નગરપાલિકા તંત્ર આ આફતને અવસરમાં ફેરવીને આ જગ્યાને પણ ક્યાંક પર્યટન સ્થળ જાહેર ન કરી દે!” તો વળી કેટલાક લોકો એવી હળવી મજાક પણ કરી રહ્યા છે કે નગરપાલિકા પાણીના નિકાલનું આયોજન કરે ત્યાં સુધીમાં તો આ ભરાયેલા પાણીમાં નૌકા ન  (બોટિંગ) ચાલવા લાગે!

​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે તંત્ર વાકેફ હોવા છતાં હજુ સુધી હંગામી ધોરણે પણ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ પંપિંગ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો આસપાસના રહીશો અને સ્કૂલે જતા બાળકો માટે સ્થિતિ વધુ કપરી બની શકે છે.

​હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આ વિસ્તારની વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાનું કાયમી આયોજન ક્યારે કરે છે કે પછી લોકોએ આમ જ પાણીની સંગાથે રહેવા મજબૂર થવું પડશે.

Related Posts