રાજકોટનાં સામાકાંઠાના આર્યનગર શેરી નં. ૨૦માં રહેતાં દંપતિ અને તેના પુત્રએ આજે ઝેરી દવા પી લીધી હતી. જેમાં વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. સાસુ-વહુના ઝઘડાના કારણે આ કરૂણ ઘટના બન્યાનું બી-ડિવીઝન પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આર્યનગર શેરી નં. ૨૦માં રહેતાં ભરતભાઈ શાંતિલાલ કોટેચા તેના પત્ની સરલાબેન અને પુત્ર ગૌરવ એ આજે બપોરે ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં ત્રણેયને સિવીલમાં ખસેડાયા હતા. ગૌરવની પત્ની રાધીકા જ આ ત્રણેયને સિવીલમાં લઈ આવી હતી.
બી-ડિવીઝન પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વહુ રાધીકા અને સાસુ સરલાબેન વચ્ચે ચડભડ થઈ હતી. જેને કારણે અઠવાડીયા પહેલાં રાધીકા રેસકોર્સ પાર્કમાં રહેતાં માવતરને ત્યાં રિસામણે જતી રહી હતી. ત્યાર પછી તેણે પતિને આજે કોલ કરી એકાદ મહિનો અલગ રહેવા જતાં રહેવાની વાત કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે વખતે પતિ ગૌરવે પોતે દવા પી જાય છે તેમ કહી કોલ કાપી નાંખ્યો હતો. જેને કારણે રાધીકાને કાંઈક અજુગતુ બન્યાની શંકા જતાં તત્કાળ તે સાસરિયામાં પહોંચી હતી. જયાં તેણે જાેયું તો રૂમમાં પતિ, સાસુ-સસરા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતાં ત્રણેયને સિવીલ હોસ્પીટલ ખસેડયા હતા. જયાં સાંજે ટુંકી સારવાર બાદ ભરતભાઈએ દમ તોડી દીધો હતો. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે ગૃહકલેશને કારણે અગાઉ રાધીકાએ પણ ફિનાઈલ પી લીધી હતી.


















Recent Comments