અમરેલી

બદલાતા સમયમાં ખેતી ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગના હિમાયતી પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ નારોલા અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત

અમરેલી તા.૧૯ એપ્રિલ૨૦૨૫ (શનિવાર) લીલીયા તાલુકાના ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ નારોલાએ છેલ્લા ૧૧ વર્ષથી ૪૭ વીઘા જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.

ઉંચી જાતના બંસી ઘઉં, દેશી બાજરો સહિતના પાકનું વાવેતર કરીને તેઓ મબલખ કમાણી કરી રહ્યા છે. “ઝેર ખાવું નથી, ઝેર ખવડાવવું નથી” ની ઉમદા વિચારધારા સાથે પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ નારોલા ખેતીમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગના પણ હિમાયતી છે.

જેમ જેમ સમય બદલાયો તેમ તેમ ખેડૂતો પણ ખેતપદ્ધતિમાં પરિવર્તન લાવી રહ્યા છે. આજે ખેતીમાં તૈયાર થયેલ વિવિધ પાક પેદાશો પૂર્ણ ક્લીન હોય, ગ્રેડીંગ સાથે બજારમાં આવે તો તેની માંગ પણ વધે છે સાથે ગુણવત્તાલક્ષી ખેતપેદાશોના સારા ભાવ પણ ખેડૂતોને મળે છે.

ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ નારોલાએ ક્લીનીંગ, ગ્રેડીંગ મશીન વસાવ્યું છે, વિવિધ ખેત પેદાશોના મૂલ્યવર્ધન થકી ખેત પ્રવૃત્તિલક્ષી આવકમાં વધારો થયો છે.

ખેતીમાં તૈયાર થયેલ વિવિધ કૃષિ પેદાશોમાં માટી, નાના મોટા દાણા, અન્ય કચરો પણ હોય છે. આથી તેને ક્લીન અને ગ્રેડીંગ કરવું અનિવાર્ય બને છે. ક્લીનીંગ અને ગ્રેડીંગ થકી વિવિધ પાક પેદાશોનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો વિવિધ કૃષિ પેદાશોની ગુણવત્તા વધે છે, બજારમાં ગુણવત્તાલક્ષી માલનું વેચાણ કરીને વધુ સારા ભાવ પણ મેળવી શકાય છે.

શ્રી ભરતભાઈ નારોલા પોતાની ખેત પેદાશોના ક્લીનીંગ અને ગ્રેડીંગની સાથે આસપાસના ૧૦થી વધુ ગામોના ખેડૂતોની કૃષિ પેદાશોનું પણ ક્લીનીંગ-ગ્રેડીંગ કરીને વધારાની કમાણી કરી રહ્યા છે.

શ્રી ભરતભાઈ નારોલાએ જણાવ્યુ કે,  ખેડૂતો વિવિધ કૃષિ પેદાશોનું ક્લીનીંગ અને ગ્રેડીંગ કરીને તેને વધુ ગુણવત્તાલક્ષી બનાવી શકે છે, કૃષિ પેદાશોના વેચાણ અર્થે ખેડુતોએ ઘર કે ખેતરે બેઠાં વેચાણ માટેની દિશામાં વિચારવાનો અને ખેતીલક્ષી પ્રવૃત્તિમાં થોડાં વધુ કદમ આગળ વધવાનો સમય છે.

ઉલ્લેખનીય છે કે, શ્રી ભરતભાઈએ આ વર્ષની આ ચાલુ સીઝનમાં ૨૫૦ ટન ઘઉં, ૭૦૦ મણ ચણા, ૪૦૦-૪૦૦ મણ તુવેર અને જીરું, ક્લોંજી, રાઇ સહિતની વિવિધ કૃષિ પેદાશોનું ક્લીનીંગ અને ગ્રેડીંગની પ્રક્રિયા (પ્રોસેસ) કરી કૃષિલક્ષી આવક માટે નવું સાહસ કરી અન્ય ખેડુતોને પણ એક કદમ આગળ આવવા પ્રેરણા પૂરી પાડી છે.

તેમણે વધુમા જણાવ્યુ કે, ક્લીનીંગ અને ગ્રેડીંગનો ખર્ચ પાકની ગુણવત્તાના આધારે ૧ કિલોગ્રામ દીઠ રુ.૧ થી રુ.૫ સુધી હોય શકે છે, જે નજીવો ખર્ચ છે અને ખેડૂતોને પરવડે તેમ છે. ક્લીનીંગ અને ગ્રેડીંગ બાદ ખેડૂતોની વિવિધ પાક પેદાશોના મૂલ્યવર્ધનમાં વધારો થાય છે.

પૂંજાપાદર ગામના ખેડૂત શ્રી સુરેશભાઈ વેકરિયાએ જણાવ્યુ કે,  મને બજારમાં ઘઉંના ભાવ મણદીઠ રુ.૫૦૦ થી રુ.૫૫૦ સુધી મળે છે. પરંતુ જો હું પાકનું ક્લીનીંગ અને ગ્રેડીંગ કરીને ગુણવત્તાલક્ષી પાક બજારમાં વેચાણ અર્થે મૂકું તો મને તેના વધુ સારા ભાવો મળે છે. એકંદરે આવકમાં મારે ફાયદો થાય છે.

ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ સતત વધે તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને જરુરી યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે.

Related Posts