જિલ્લામાં વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પ્રતિદિન ગ્રામ્ય વિસ્તારોમાં ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરી રહ્યો છે, જેના થકી અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી ૨૪ વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણની ગાથા પહોંચી રહી છે. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરીયા મુકામે ‘વિકાસ રથ’ને ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર્યો હતો અને ભાતીગળ પરંપરાથી ગ્રામજનોએ રથનું સ્વાગત કર્યું હતુ.
વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓની સાથે પ્રાંત અધિકારીશ્રી મેહુલ બરાસરા સહિતના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલાના મોટા આગરીયા મુકામે રૂ. ૧ કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. અંદાજે રૂ. ૪૯ લાખના ખર્ચે નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયુ હતુ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કુલ ૩૯૪ નાગરિકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞાના શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ સપ્તાહની ઉજવણીને લોકોનો સહર્ષ આવકાર મળી રહ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે. અનેક લોકકલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ ચિંચાઈ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાનશ્રીએ વિકાસનો નવો અધ્યાય આલેખ્યો છે.
મોટા આગરીયા ગ્રામ પંચાયત ખાતે આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી છાયાબેન પુરોહિત, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રતિનિધિશ્રી મધુભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રી કંચનબેન સાવલીયા, આસપાસના ગામોના સરપંચશ્રીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, મામલતદારશ્રી ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એચ.દાણીધારીયા, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments