શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટર દ્વારા હંમેશા દર્દીનારાયણની સેવાને અગ્રતા આપવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતા, આયુર્વેદિક વિભાગ દ્વારા શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને એક નવતર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિયાળો એ શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) એકત્રિત કરવા માટેની શ્રેષ્ઠ ઋતુ હોવાથી, સંસ્થા દ્વારા પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરેલા ઉકાળાનું સંપૂર્ણ નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
આ ઉકાળા વિતરણના શુભારંભના પ્રથમ દિવસે જ ૬૦થી વધુ દર્દીનારાયણોએ હોંશભેર લાભ લીધો હતો. આયુર્વેદ વિભાગના વૈદ્ય ડૉ. કોમલબેન કટારીયા દ્વારા આ ઋતુમાં થતા શારીરિક ફેરફારો અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આશરે ૨૦ જેટલી અત્યંત કિંમતી આયુર્વેદિક ઔષધિઓના મિશ્રણથી આ ઉકાળો ખાસ તૈયાર કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સેવાનો ઉમદા ભાવ છુપાયેલો છે. આ સેવાનું સંપૂર્ણ સૌજન્ય શ્રી કનુભાઈ ગેડીયા દ્વારા તેમના ધર્મપત્ની સ્વ. શ્રી મંગળાબેન ગેડિયાની સ્મૃતિમાં નમ્રતાપૂર્વક પૂરું પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શ્રી કનુભાઈ ગેડીયા પોતે આ હોલિસ્ટિક સેન્ટરનું સંચાલન અત્યંત આદર અને સમર્પણ ભાવથી કરી રહ્યા છે, જે આ સેવા કાર્યને વધુ વેગ આપી રહ્યું છે.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની પરંપરા મુજબ આ સેવા પણ જનતા માટે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવી છે. શિયાળાની આ ઋતુમાં નાગરિકો પોતાના સ્વાસ્થ્યની રક્ષા કરે અને લાંબા ગાળા સુધી સ્વસ્થ રહે તે હેતુથી, વધુમાં વધુ લોકો આ સુવિધાનો લાભ લે તેવો સંસ્થા દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.


















Recent Comments