અમરેલી

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬, અમરેલી જિલ્લાની આખરી સંકલિત મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ કરવામાં આવી હતી, જે તા.૧૭.૦૨.૨૦૨૬ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય તથા મતદારયાદી વધુ સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

તા.૧૭.૦૨.૨૦૨૬ મંગળવારના દિવસે અમરેલી જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત આખરી સંકલિત મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ આખરી મતદારયાદી સંબંધિત તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાન મથકો તથા નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે.

ઉપરાંત સેવા મતદારો માટેના છેલ્લા ભાગની મતદારયાદીની પણ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે, જેથી તમામ મતદારોને પોતાના નામની ચકાસણી કરવાની સુવિધા ઉપલબ્ધ બને.

આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે,  મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત થયેલી સમગ્ર પ્રક્રિયા દરમિયાન ૯૪-ધારી વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૦૭,૨૦૯ મતદારો, ૯૫-અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૪૯,૮૬૮ મતદારો, ૯૬-લાઠી વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૧૦,૫૧૬ મતદારો, ૯૭-સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૨૫,૩૫૯ મતદારો તથા ૯૮-રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૫૪,૨૪૮ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે સમગ્ર અમરેલી જિલ્લામાં કુલ ૧૧,૪૭,૨૦૦ મતદારો આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયા છે.

ઉલ્લેખનીય છે કે તા.૧૯.૧૨.૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દારૂપ મતદારયાદીની સરખામણીએ આખરી મતદારયાદીમાં કુલ ૧૪,૩૮૪ જેટલા મતદારોનો વધારો નોંધાયો છે, જે મતદાર નોંધણી પ્રક્રિયા પ્રત્યે નાગરિકોમાં વધતી જાગૃતિ અને સક્રિય ભાગીદારીનો દ્યોતક છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ આ સઘન સુધારણા પ્રક્રિયા લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે તેમ અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts