ભાવનગર

ભાવનગર જિલ્લામાં વરસાદી સ્થિતિ અને રાહત-બચાવ કામગીરી અંગે જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી શ્રી
જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ
સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ
ભાવનગર જિલ્લાના વરસાદની વર્તમાન સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, નદી-નાળાઓના
જળસ્તર, ડેમોમાં પાણીની આવક, સંભવિત જોખમી વિસ્તારો તેમજ જિલ્લામાં કરવામાં આવેલી રાહત અને બચાવ
કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
જિલ્લામાં વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે, જિલ્લા કંટ્રોલ રૂમમાં મળતી ફરિયાદોનો ત્વરિત નિકાલ થાય,
ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો સજ્જ રહે તેમજ ડેમોમાં પાણીની આવકને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ પાણી
છોડવાની સ્થિતિ સર્જાય તો તેની પૂર્વ તૈયારી અને નદીકાંઠાના ગામોને સમયસર એલર્ટ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત
કરવા જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત, માનવમૃત્યુ, માનવ ઈજા તથા પશુ જાનહાનિના કિસ્સામાં પાત્ર લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે
સહાય ચૂકવવાની પણ સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ ભાવનગર શહેરની અને નિવાસી અધિક
કલેક્ટર શ્રી એન. ડી. ગોવાણીએ ભાવનગર જિલ્લાના વરસાદની સ્થિતિમાં હાથ ધરાયેલી કામગીરી અંગે મંત્રીશ્રીઓને
માહિતી આપી હતી.
કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક
શ્રીમતી જયશ્રીબેન જરૂ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લાના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને
પદાધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

Related Posts