અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા સાથે રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમરેલીની વિવિધ શાળાઓમાં માર્ગ સલામતીને લઈને જનજાગૃતિ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જેસીંગપરા-રંગપુર રોડ ઉપર અકસ્માતની ઘટનાના પગલે રેલીંગ,ક્રેશ બેરિયર લગાવવા સહિત વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટે જરૂરી કાયદાઓનો અમલ સતત અને નિયમિત રીતે કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા નિયમિત ધોરણે હેલ્મેટ, સીટ બેલ્ટ, રીફ્લેક્ટર, પી.યુ.સી, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, હાઇબીમ લાઇટ,  સહિતની બાબતોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે. ઉપરાંત સ્કૂલ કોલેજ કક્ષાએ રોડ સેફ્ટી લગત જનજાગૃત્તિ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. વાહન ચાલકોએ સલામતી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, અતિશય ઝડપે વાહન ચલાવવું નહીં વગેરે બાબતોને લઈને કાળજી રાખવી હિતાવહ છે.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટરશ્રી ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી નાકીયા, સહિત સંબંધિત વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts