અમરેલી

અમરેલી જિલ્લામાં કુલ ૧૮,૨૬૮ ગ્રાહકોએ સોલાર રૂફટોપ યોજના અપનાવી, અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી હસ્તકના ૧૬,૭૮૬ ગ્રાહકોએ સોલાર દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીથી રૂ. ૫.૪૭ કરોડની કમાણી કરી

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” દેશના દરેક ઘરને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જતી મહત્વપૂર્ણ યોજના બની છે. આ યોજના હેઠળ ઘર ઉપર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને સ્વચ્છ અને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ છે. આ પહેલથી વીજળીના ખર્ચમાં ઘટાડો, પર્યાવરણનું સંરક્ષણ અને વધારાની વીજળી વેચીને આવક મેળવવાની તક ઉપલબ્ધ બની રહી છે. આ યોજનાના લીધે અમરેલી જિલ્લામાં ૧૬,૭૮૬ ઘરોમાં ‘સૂર્યના અજવાળા’થી વીજબીલ શૂન્ય બન્યું છે.

ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું અને દરેક ઘર સુધી સ્વચ્છ, સસ્તી અને સતત વીજળી પહોંચાડવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિનું મુખ્ય સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકારે “પીએમ સૂર્ય ઘર – મફત વીજળી યોજના” શરૂ કરી છે. આ યોજના દ્વારા સામાન્ય નાગરિકોને પોતાના ઘરની છત પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી તેઓ સૂર્ય ઊર્જાથી પોતાની વીજળી જરૂરિયાત પૂરી કરી શકે.

અમરેલી જિલ્લામાં આ યોજનાનો અમલ નોંધપાત્ર રીતે સફળ રહ્યો છે. પીજીવીસીએલના નાયબ ઇજનેરશ્રી સી.એન. સરવૈયાએ જણાવ્યા મુજબ,  વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન અમરેલી પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીને ૮,૨૫૦ ઘરોમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ જિલ્લાના લોકોમાં સોલાર ઊર્જા પ્રત્યે વધતી જાગૃતિ અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે.

જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. હાલમાં અમરેલી જિલ્લામાં કુલ ૧૮,૨૬૮ ગ્રાહકો સોલાર રૂફટોપ દ્વારા વીજ જોડાણ ધરાવે છે. તેમાં શહેરી વિસ્તારોમાં ૯,૬૨૭ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૮,૬૪૧ ગ્રાહકોનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે સોલાર ઊર્જાનો લાભ હવે શહેર સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક રીતે સ્વીકારવામાં આવી રહ્યો છે.

સોલાર રૂફટોપ સ્થાપિત કરનાર ગ્રાહકોને આર્થિક લાભ પણ મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન અમરેલી જિલ્લાના ગ્રાહકો દ્વારા ઉત્પન્ન કરાયેલી વધારાની વીજળી પી.જી.વી.સી.એલ.ને આપવામાં આવી હતી, જેના બદલામાં કુલ રૂ. ૫૪૭ લાખ (૫.૪૭ કરોડ) ૧૬,૭૮૬ ગ્રાહકોના  બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આથી સોલાર ઊર્જા હવે માત્ર ઊર્જાનો સ્ત્રોત નહીં પરંતુ આવકનું સાધન પણ બની છે.

“પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સોલાર ઊર્જા સ્વચ્છ અને નવિનીકરણીય ઊર્જા હોવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય છે.

અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની સફળતા દર્શાવે છે કે, યોગ્ય નીતિ, સરકારના પ્રોત્સાહન અને લોકોની સકારાત્મક ભાગીદારીથી હરિત ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન શક્ય છે. આ યોજના આજે અમરેલી જિલ્લાના હજારો પરિવારો માટે આર્થિક રાહત, ઊર્જા સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની છે.

Related Posts