ભાવનગર

ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે 24 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’નું આયોજન

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આગામી મંગળવાર, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતના ચૂંટણી પંચ અને
રાજ્યોના ચૂંટણી કમિશનરોની ‘નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૯ પછી, એટલે કે ૨૭ વર્ષના લાંબા ગાળા
બાદ આ પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે.
આ કોન્ફરન્સની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર કરશે, જેમાં ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ
ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનરો તેમના કાયદાકીય અને ટેકનિકલ નિષ્ણાતો સાથે સહભાગી
થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત તમામ ૩૬ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ (CEOs) પણ આ કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
કોન્ફરન્સ મુખ્ય ઉદ્દેશ્યો અને ચર્ચાના વિષયો
આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારતના ચૂંટણી પંચ (ECI) અને રાજ્યોના ચૂંટણી પંચો (SECs) વચ્ચે ચૂંટણી પ્રક્રિયાઓ અને લોજિસ્ટિક્સ
બાબતે તાલમેલ વધારી ‘સહકારી સંઘવાદ’ની ભાવનાને મજબૂત કરવાનો છે. કોન્ફરન્સ દરમિયાન નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં
આવશે:
૧. ટેકનોલોજીનું આદાન-પ્રદાન અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ.
૨. મતદાર યાદી (Electoral Rolls) ને વધુ સચોટ અને મજબૂત બનાવવાની પદ્ધતિઓ. ૩. તાજેતરમાં લોન્ચ કરાયેલ ડિજિટલ પ્લેટફોર્મ ‘ECINET’
અંગે ભારતના ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિશેષ પ્રેઝન્ટેશન.
૪. EVM ની પારદર્શિતા અને સુરક્ષાત્મક પાસાઓ વિશે વિસ્તૃત સમજૂતી.
આ કોન્ફરન્સ દરમિયાન લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ (Representation of the People Act, 1950) ના સંદર્ભમાં વિવિધ રાજ્યો અને
કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની લાયકાત અંગેનું તુલનાત્મક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે, જેથી વિવિધ કાર્યક્ષેત્રોમાં મતદાર યાદી તૈયાર કરવાના
કાયદાકીય માળખા પર વિસ્તૃત વિચાર-વિમર્શ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, સંબંધિત રાજ્યોના કાયદા દ્વારા 73મા અને 74મા બંધારણીય સુધારા અંતર્ગત સશક્તિકરણની જોગવાઈઓ હેઠળ રાજ્ય ચૂંટણી
પંચોની રચના કરવામાં આવી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૪૩K અને ૨૪૩ZA હેઠળ રાજ્ય ચૂંટણી પંચો પંચાયતો અને નગરપાલિકાઓની
ચૂંટણીઓનું સંચાલન કરે છે. આ પરિષદ ભારતના ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણીપંચો વચ્ચેના સંકલનને નવી ઊંચાઈએ લઈ જશે, જેનાથી સમગ્ર
દેશની ચૂંટણી પ્રક્રિયા વધુ સુગમ અને આધુનિક બનશે.

Related Posts