ભાવનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ
અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ માટે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ શિશુવિહાર સંસ્થા ખાતે આયોજનબદ્ધ રીતે યોજાયો હતો.
જિલ્લા આઈ.સી.ડી.એસ. યોજનાના અનુસંધાનમાં બાલિકા પંચાયત સાથે સંકળાયેલી દિકરીઓને વિષયવાર,
મોડ્યુલ આધારિત માર્ગદર્શન મળી રહે તે હેતુસર જિલ્લાની દરેક સેજા દીઠ એક માસ્ટર ટ્રેનર તૈયાર કરવાની દિશામાં
આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રમેશભાઈ જાખણીયાએ જણાવ્યું હતું કે, મહિલા અને બાળ
વિકાસ વિભાગ હસ્તક કાર્યરત બેટી બચાવો, બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના જેવી પહેલો દ્વારા બાલિકાઓમાં નેતૃત્વ
ક્ષમતાનો વિકાસ, આત્મવિશ્વાસનું સંવર્ધન અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
બાલિકાઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડીને લોકભાગીદારીમાં વધારો કરવો, સામાજિક જાગૃતિ ફેલાવવી તથા
બાલિકા સુરક્ષા અને સલામતીને મજબૂત બનાવવી એ “બાલિકા પંચાયત” પહેલનો મુખ્ય હેતુ છે.
માસ્ટર ટ્રેનર્સ માટેનું તાલીમ મોડ્યુલ UNICEFના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કુલ ૧૫
વિષયક સત્રોનો સમાવેશ થાય છે. તાલીમ દરમિયાન પ્રેઝન્ટેશન, રોલ પ્લે, ચર્ચાસત્ર, નાટ્યરૂપ રજૂઆત તથા
વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા વિષયવસ્તુને સચોટ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાલીમ પ્રાપ્ત માસ્ટર ટ્રેનર્સ આગામી એક વર્ષ દરમિયાન બાલિકા પંચાયતના સભ્યો,
કિશોરીઓ તથા મહિલાઓને વિષયવાર માર્ગદર્શન અને પ્રેરણા આપશે, જેના પરિણામે બાલિકાઓના સર્વાંગી વિકાસ,
સશક્તિકરણ અને સમાજજીવનમાં તેમની સક્રિય અને જવાબદાર ભાગીદારી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન
મળશે.
ભાવનગર જિલ્લાના ૬૪ સેજાને આવરી લેતા આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગની મુખ્ય સેવિકાશ્રીઓ,
આરોગ્ય વિભાગની ફીમેલ હેલ્થ વર્કર તેમજ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી હસ્તક મિશન લાઈવલીહૂડ યોજનાના
આસિસ્ટન્ટ તાલુકા પ્રોજેક્ટ મેનેજરશ્રીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.


















Recent Comments