ભલે નકશા તમે આધુનિકતાના નવા કંડારો,
પણ ગરીબના ઘરનો ચૂલો, રખેને ન બૂઝાવો.
સીંચ્યો છે પરસેવો જ્યાં પેઢીઓએ પોતાની,
એ માળો વિખેરતા પહેલાં, જરા તો હૈયું હલાવો.
નથી આ મશીન, સંવેદના સભર જીવતા માનવ છે,
એમની વેદના વાંઝણી ન રહે, એટલું તો વિચારો.
ભલે બને ઈમારતો ઊંચી ને રસ્તાઓ પહોળા,
પણ કોઈની આંખમાં આંસુના ખાબોચિયા ન ભરાવો.
વિકાસના નામે ઉખેડો છો જે પાયા વસવાટના,
એ તૂટતા સપનાઓનો હિસાબ પણ જરા ગણાવો.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીના પટ અને કિનારા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ આખરી ઓપરેશન શરૂ કર્યું છે. સાવરકુંડલા મામલતદાર દ્વારા ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ ૧૩૫ જેટલા પાલા-કેબીન ધારકોને નોટિસ ફટકારી, આગામી ૧૦ દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવા કડક આદેશ આપ્યો છે. જો નિયત સમયમાં દબાણ નહીં હટાવવામાં આવે તો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે અને તેનો ખર્ચ પણ દબાણકર્તાઓ પાસેથી વસૂલવામાં આવશે.
૨૧ વર્ષની કાનૂની જંગ બાદ જમીન ‘સરકારી’ સાબિત થઈ
વર્ષ ૨૦૦૫થી શરૂ થયેલી આ કાનૂની લડાઈનો અંત ગત ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ આવ્યો હતો, જ્યારે ગુજરાત હાઈકોર્ટે પાલા ધારકોની પિટિશન ડિસમિસ કરી હતી. ત્યારબાદ કરવામાં આવેલી LPA અરજી પણ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ફગાવી દેવાતા, આ જમીન નગરપાલિકાની નહીં પણ સરકારની હોવાનું પ્રસ્થાપિત થયું છે.
પાલા ધારકોની વેદના: “વેરા લીધા ત્યારે નગરપાલિકાને ખબર નહોતી?”
છેલ્લા ૬૪ વર્ષથી અને ત્રણ પેઢીથી અહીં વ્યવસાય કરતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલા ધારકોએ મીડિયા સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “જો આ જગ્યા નગરપાલિકાની નહોતી, તો અત્યાર સુધી અમારી પાસેથી ભાડું, ટ્રાન્સફર ફી, વ્યવસાય વેરો અને ગુમાસ્તા લાયસન્સની ફી કયા અધિકારથી વસૂલવામાં આવી?” સરકારી તંત્રની આંતરિક ખેંચતાણમાં નાના વેપારીઓનો મરો થઈ રહ્યો હોવાનો સુર ઉઠ્યો છે.
રીવર ફ્રન્ટ અને રોજગારી વચ્ચે સંતુલનનો અભાવ જોવા મળેલ.
સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ રીવર ફ્રન્ટના વિકાસ માટે આ જગ્યા અનિવાર્ય હોવાનું જણાવી પાલા ધારકોની સમસ્યામાં પોતાની લાચારી વ્યક્ત કરી છે. બીજી તરફ, નગરપાલિકા દ્વારા ખાતરવાડીમાં જે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવવાની વાત છે, તેમાં ૫ લાખની ડિપોઝિટ અને માત્ર ૫ વર્ષની લીઝની શરત પાલા ધારકોને મંજૂર નથી. તેઓની માંગ છે કે જો સ્થળાંતર કરવું જ પડે, તો લીઝની અવધિ ૯૯ વર્ષની રાખવામાં આવે જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે.
















Recent Comments