ગુજરાત

ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન ભાજપના ઈશારે કામ કરે છે : અમિત ચાવડા

•             ગુજરાત અને દેશમાં અંગ્રેજોના શાસન જેવી સ્થિતિ, સરકાર સામે અવાજ ઉઠાવો તો દેશદ્રોહી બનાવી ખોટા કેસોમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે : અમિત ચાવડા

•             પોલીસ અને પ્રશાસન ભાજપના કાર્યકર હોય તેમ કામ કરી રહ્યાં છે. : અમિત ચાવડા

•             ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીઓની આવક કરતા અનેક ઘણી વધુ કરોડોની સંપત્તિની તપાસ કરાવો

: અમિત ચાવડા

•             સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ભરતાં રોકવા, ફોર્મ પાછાં ખેંચાવવા, પ્રચારમાં અવરોધો ઊભા કરવા અને મતદારોને ડરાવવા પોલીસનો દુરુપયોગ થયો : અમિત ચાવડા

•             જીગ્નેશભાઈ મેવાણી, પાટણની બહેનો સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપરના ખોટા કેસો સામે લડીશું, ભાજપ સરકારના દમન સામે સત્યનો અવાજ ક્યારેય નહી દબાય : અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આજે ગુજરાત અને સમગ્ર દેશમાં અંગ્રેજોનું શાસન ચાલતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાથમાં તિરંગો લઈને પોતાના અધિકારો માટે કે સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવનાર નાગરિકને દેશદ્રોહી ચીતરવામાં આવે છે, તેની સામે ખોટા કેસો દાખલ કરવામાં આવે છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. લોકશાહીમાં સરકારને સવાલ પૂછવાનો, અન્યાય સામે વિરોધ કરવાનો અને પોતાના હક માટે લડવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ ભાજપ સરકાર આ અધિકારોને જ કચડી નાખવા માગે છે. ગુજરાતમાં કેટલાક પોલીસ અધિકારીઓ ભાજપના કાર્યકર હોય તેમ કામ કરી રહ્યા છે. પોલીસ અને પ્રશાસનનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે વિપક્ષને દબાવવા, કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવા અને ભાજપને ચૂંટણીમાં ફાયદો પહોંચાડવા માટે થઈ રહ્યો છે, જે લોકશાહી અને બંધારણ માટે અત્યંત ગંભીર બાબત છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ પોલીસ અને પ્રશાસનના કથિત રાજકીય દુરુપયોગનાં અનેક ઉદાહરણો જોયાં છે. કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારીપત્ર ભરતાં રોકવા, ઉમેદવારીપત્રો પાછાં ખેંચાવવા દબાણ કરવું, ચૂંટણી પ્રચારમાં અવરોધ ઊભા કરવા, મતદારોને ડરાવવા અને ઉમેદવારો તથા તેમના ટેકેદારોને ખોટા કેસોમાં ફસાવવાના પ્રયાસો થયા હોવાના ગંભીર આક્ષેપો છે. લોકશાહીમાં ચૂંટણી જનતાના મતથી જીતવાની હોય છે, પોલીસના દમથી નહીં. પરંતુ ભાજપ સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરી રહી હોય તેવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે.

હાલમાં જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૪, ૧૧, ૭ અને ૨ સહિત અનેક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો અને તેમના ટેકેદારોને પોલીસ દ્વારા ઉઠાવી લઈ જવામાં આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને છોડાવવા માટે અમારા ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પોલીસ સમક્ષ રજૂઆત કરવા જાય તો તેમની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. પોલીસની કામગીરી અંગે જવાબદાર એસ.પી. અને અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે ત્યારે ફોન પણ ઉપાડવામાં આવતા નથી. શું ગુજરાતમાં પોલીસ અધિકારીઓ જનતાને જવાબ આપવા માટે નહીં, પરંતુ માત્ર ગૃહમંત્રી અને સત્તાધારી પક્ષને ખુશ કરવા માટે બેઠા છે? ગૃહમંત્રીને વહાલા થવાની હોડમાં કેટલાક અધિકારીઓ કાયદો, બંધારણ અને પોતાની ફરજ જ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

એક તરફ કોંગ્રેસના ધારાસભ્યની માતા અને બહેન સામે સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, છતાં આજદિન સુધી એફઆઈઆર નોંધાતી નથી, જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર કે કાર્યકરને પોલીસ લઈ જાય અને તેમને છોડાવવા માટે આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચે તો એક નહીં, બે-બે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. શું ગુજરાતમાં કાયદો ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે અલગ છે અને કોંગ્રેસના કાર્યકરો માટે અલગ? શું પોલીસની ફરજ સત્તાધારી પક્ષના રાજકીય વિરોધીઓને પાઠ ભણાવવાની છે? કાયદો સૌને સમાન રીતે લાગુ પડવો જોઈએ, પરંતુ ગુજરાતમાં પોલીસની કામગીરી સામે ઊભા થયેલા આ સવાલોના જવાબ ભાજપ સરકારે આપવા પડશે.

ખેડૂતો, કર્મચારીઓ, યુવાનો અને મહિલાઓ પોતાના પ્રશ્નો અંગે શાંતિપૂર્ણ વિરોધ કરવા માગે તો મંજૂરી આપવામાં આવતી નથી. કોંગ્રેસ પક્ષ જનતાના પ્રશ્નો લઈને રેલી, ધરણાં કે વિરોધ પ્રદર્શન યોજવા માગે તો વહીવટી તંત્ર દ્વારા અવરોધો ઊભા કરવામાં આવે છે. વડાપ્રધાન કે મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવવાના હોય ત્યારે કોંગ્રેસના કાર્યકરોને ૨૪ કલાક પહેલાંથી જ નજરકેદ કરી દેવામાં આવે છે, જાણે કોંગ્રેસના કાર્યકરો કોઈ ગુનેગાર હોય! પરંતુ જ્યારે ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પર આવીને વિરોધ કરે, પૂતળાં બાળે કે હંગામો મચાવે ત્યારે તેમને મંજૂરી આપવાની અને પોલીસ રક્ષણ પૂરું પાડવાની કામગીરી કરવામાં આવે છે. કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થાય, તોડફોડ થાય કે ધમાલ થાય ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બનીને ઊભી રહે છે. આ બેવડાં ધોરણો ગુજરાતની જનતા સામે ભાજપ સરકારના લોકશાહી વિરોધી વલણને ઉજાગર કરે છે.

કચ્છ અને પાટણમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી ધમાલના બનાવો પણ અત્યંત ગંભીર છે. પાટણમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે ધક્કામુક્કી અને મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપો છે. મહિલાઓને પોલીસ દ્વારા ખેંચીને લઈ જવામાં આવી હતી અને જેમણે માર સહન કર્યો હતો તેવી મહિલાઓ સામે જ એફઆઈઆર નોંધવામાં આવી હોવાની ફરિયાદ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાઓને ત્યાંથી પકડી લઈ જવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. બીજી તરફ, કચ્છમાં પોલીસની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હુમલો કરવામાં આવ્યો હોવાની અને જાહેરમાં જીવથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાની ફરિયાદો છતાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મહિલાઓ પર હુમલો થાય, જાહેરમાં ધમકીઓ આપવામાં આવે અને પોલીસની હાજરીમાં હિંસાની ઘટનાઓ બને, છતાં જો કડક અને નિષ્પક્ષ કાર્યવાહી ન થાય તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષા માટે કોના પર વિશ્વાસ રાખે?

ગુજરાતમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની આવક કરતાં અનેકગણી વધુ સંપત્તિ હોવાના, ભ્રષ્ટાચાર દ્વારા કરોડો અને અબજો રૂપિયા એકઠા કરવાના, લોકોની જમીનો અને મિલકતો પર ગેરકાયદેસર કબજો કરવાના તેમજ દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા હોવાના ગંભીર આક્ષેપોની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પોલીસની ખુરશીનો ઉપયોગ જો જનતાની સેવા કરવાને બદલે ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રાજકીય દબાણ માટે કરવામાં આવતો હોય તો આવા અધિકારીઓને કોઈપણ સંજોગોમાં બચાવી શકાય નહીં. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે પોલીસ અને પ્રશાસનના રાજકીય દુરુપયોગ, કોંગ્રેસના ઉમેદવારો તથા કાર્યકરો સામે થયેલી કાર્યવાહી અને કચ્છ-પાટણ સહિતની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને જેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હોય તેમને ન્યાય મળે. જો સરકાર તટસ્થ તપાસ નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ન્યાયાલયના દ્વાર ખખડાવશે અને કાયદાકીય લડત દ્વારા જવાબદારી નક્કી કરાવવા માટે સંઘર્ષ કરશે.

ગુજરાતના પોલીસ અધિકારીઓને અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારી ભાજપના કાર્યકર તરીકે કામ કરવાની નથી. તમારી જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની, નાગરિકોની સુરક્ષા કરવાની અને બંધારણના મૂલ્યોનું રક્ષણ કરવાની છે. રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવવા, તેમને હેરાન કરવા કે સત્તાધારી પક્ષને ચૂંટણીમાં ફાયદો પહોંચાડવા માટે સત્તાનો દુરુપયોગ કરનારાઓએ યાદ રાખવું જોઈએ કે કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. કોઈ અધિકારી સામેના આક્ષેપોની તપાસ કાયદેસર પુરાવાના આધારે થવી જોઈએ અને જેની જવાબદારી સાબિત થાય તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જ જોઈએ.

ભાજપના નેતાઓને પણ અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને ગમે તેટલો જોરજુલમ કરો, કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાનો કે દબાવવાનો ગમે તેટલો પ્રયાસ કરો, કોંગ્રેસનો કાર્યકર ઝૂકશે નહીં અને એક પણ પગલું પાછળ હટશે નહીં. કોંગ્રેસ પક્ષ ગુજરાતની જનતાના હક અને અધિકારો માટે, ખેડૂતો, યુવાનો, કર્મચારીઓ અને મહિલાઓના ન્યાય માટે તથા લોકશાહી અને બંધારણના રક્ષણ માટે સતત લડતો રહેશે. લોકશાહી કોઈ એક પક્ષની જાગીર નથી અને પોલીસ કોઈ સત્તાધારી પક્ષની ખાનગી સેના નથી. ગુજરાતની જનતા બધું જોઈ રહી છે અને અન્યાય, દમન તથા સત્તાના દુરુપયોગ સામેનો આ સંઘર્ષ વધુ મજબૂત બનશે. લોકશાહી બચાવવા, બંધારણ બચાવવા અને ગુજરાતના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા કોંગ્રેસની લડત અટકવાની નથી.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, એસ.સી સેલ ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડો. અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts