વિકાસના નામે અહીં કેવો ખેલ ખેલાય છે,
રેતીને બદલે જુઓ ધૂળ અહીં પણ વેચાય છે.
જનતાના પૈસે ભરે છે ખિસ્સા શું ભ્રષ્ટાચારીઓ?
કાગળ પર સીસી રોડ, બન્યા પછી થોડા સમયમાં કેમ ખાડા પડી જાય છે.?
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં ચાલી રહેલા કરોડોના વિકાસકામો અત્યારે વિવાદના વમળમાં ફસાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બની રહેલા સીસી રોડ અને અન્ય બાંધકામોમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. ‘આપ’ના કાર્યકારી પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે આ મામલે પુરાવા સાથેનો વીડિયો જાહેર કરી તંત્રની કામગીરી પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
સ્થળ તપાસમાં ચોંકાવનારી વિગતો
શહેરમાં પ્રગતિમાં રહેલા કામોની જગદીશભાઈ ઠાકોરે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન બાંધકામ માટે રાખવામાં આવેલી રેતીના જથ્થામાં મોટા પ્રમાણમાં માટી અને ધૂળનું મિશ્રણ જોવા મળ્યું હતું. નિયમ મુજબ બાંધકામમાં શુદ્ધ રેતીનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ અહીં રેતીના નામે માત્ર ધૂળ મિશ્રિત રેતી પીરસવામાં આવી રહી હોવાનું દ્રશ્યમાન થતું જોવા મળે છે
જગદીશભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “જો આવી નબળી ગુણવત્તાની રેતીનો ઉપયોગ કરવામાં આવશે, તો લાખો-કરોડોના ખર્ચે બનતા રોડ-રસ્તાઓ ગણતરીના મહિનાઓમાં જ તૂટી જશે. આ સીધેસીધી જનતાના ટેક્સના પૈસાની ચોરી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક તંત્રની મિલીભગત વગર આટલો મોટો ભ્રષ્ટાચાર શક્ય નથી.
આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી જનતાને જાગૃત કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે
વપરાતી સામગ્રીનું તાત્કાલિક લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવામાં આવે.
કસૂરવાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરી કામ અટકાવવામાં આવે.
તંત્ર દ્વારા આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે.
આ પર્દાફાશ બાદ હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા કે વહીવટી તંત્ર આ બાબતે શું પગલાં ભરે છે.???


















Recent Comments