અમરેલી

સંસ્કૃતિ પર પશ્ચિમી ગ્રહણ: સૌરાષ્ટ્રની પરંપરાગત ‘છાણની હોળી’ હવે વિસરાતી જાય છે..!! 

ગઈ છે ક્યાંક ખોવાઈ એ ગોઠ ને મેરાયુંની વાતો? 

છાણની એ હોળીની સુવાસ હવે ખૂબ ઓછી દેખાય છે! 

​કન્ફ્યુઝન છે તિથિઓનું ને પશ્ચિમી વાયરો  ફૂંકાય છે,

અસ્મિતા આપણી આધુનિકતાના વેશે હવે ક્યાં જળવાઈ છે?

–“પાંધી સર”

ભારતીય સંસ્કૃતિના પર્વોમાં વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે, પરંતુ આધુનિકતાના વાયરામાં આપણી વર્ષો જૂની પરંપરાઓ જાણે ‘હેક’ થઈ ગઈ હોય તેવું જણાય છે. એક સમયે સૌરાષ્ટ્રના ગામડે-ગામડે ગાયના છાણાથી હોળી પ્રગટાવવાની અદભૂત પ્રથા હતી, જેની જગ્યા હવે લાકડાની હોળીએ લઈ લીધી છે. પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ એક મોટું નુકસાન મનાય છે.

​પર્યાવરણની રક્ષા: લાકડું નહીં, છાણાં શ્રેષ્ઠ

​નિષ્ણાતોના મતે, ગાયના છાણાથી પ્રગટાવવામાં આવતી હોળી વાતાવરણને શુદ્ધ કરે છે અને હાનિકારક બેક્ટેરિયા તેમજ મચ્છરોનો નાશ કરે છે. લાકડાના વધુ પડતા વપરાશથી વૃક્ષોનું નિકંદન નીકળે છે, જ્યારે છાણાંનો ઉપયોગ ઓક્સિજનના પ્રમાણમાં વધારો કરે છે. છતાં, શહેરીકરણને કારણે હોલિકા દહનનો વ્યાપ ઘટતો જાય છે, જે આપણી અસ્મિતાના ઘટાડા તરફ નિર્દેશ કરે છે.

​નષ્ટ થતી પરંપરાઓ મેરાયું, ગોઠ અને પોટી ઉત્સવ

​હોળી-ધૂળેટીના પર્વમાં બાળકો દ્વારા કરવામાં આવતી ‘મેરાયું’ લઈને ઘર ઘર જવાની પ્રથા આ મેરાયું એક ઢીંચણિયા જેવું માટીનું પાત્ર જેમાં તેલ સાથે વાટ સળગતી હોય અને ઘરે ઘરે એમાં તેલ પુરાવાની પ્રથા હતી. સાથે  ઘરે-ઘરે જઈને ‘ગોઠ’ માંગવાની પ્રણાલી હવે માત્ર સ્મૃતિઓમાં રહી ગઈ છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અમુક જ્ઞાતિઓમાં ‘પોટી વિધિ’ જીવંત છે. ગાડાં જોડીને જાનની જેમ નીકળતો આ ‘પોટી ઉત્સવ’ આજે પણ ગ્રામીણ સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવે છે.

​રજા અને પંચાંગ વચ્ચેનો ‘ધોકો’

​આ વર્ષે દિવાળીની જેમ હોળીમાં પણ ‘ધોકો’ (તિથિનો ક્ષય) આવતા લોકોમાં ભારે કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ફિલ્મ ‘શોલે’ના ગબ્બર સિંહની જેમ આજે સામાન્ય માણસ પણ પૂછી રહ્યો છે કે— “હોળી ક્યારે છે?” કેલેન્ડરમાં અલગ તારીખ છે, પંચાંગમાં ગણતરી જુદી છે અને સરકારી રજાઓ પણ અલગ દિવસે જાહેર થઈ છે. આ અસમંજસ વચ્ચે લોકો પરંપરા અને આધુનિક સમયપત્રક વચ્ચે ઝૂલી રહ્યા છે.

Related Posts