ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષાઋતુ દરમિયાન ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે તેમજ ભેજવાળા વાતાવરણને લીધે મચ્છરોની ઉત્પત્તિ માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી હોય છે.
આ પરિસ્થિતિને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી અગમચેતીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન માસને “મેલેરિયા વિરોધી માસ” તેમજ જુલાઈ માસને “ડેન્ગ્યુ વિરોધી માસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા મેલેરિયા શાખા દ્વારા નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ફેલાવતા મચ્છરો મોટેભાગે ચોખ્ખા, ખુલ્લા અને બંધિયાર પાણીમાં પોતાના ઈંડા મૂકે છે. જો ઘરોમાં કે ઘરની આસપાસ ક્યાંય પણ બિનજરૂરી પાણીનો ભરાવો થવા ન દેવામાં આવે અને પાણી સંગ્રહ કરવાના તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવામાં આવે, તો મચ્છરોની ઉત્પત્તિમાં મોટો ઘટાડો કરી શકાય તેમ છે. સામાન્ય રીતે અગાસી, છત અથવા ફળિયામાં પડેલા જૂના ટાયરો, તૂટેલા-ફૂટેલા વાસણો તેમજ પશુ-પક્ષીઓ માટે રાખવામાં આવેલા કુંડા કે પાત્રોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી આપણી જાણ બહાર મચ્છરો મોટા પ્રમાણમાં પેદા થાય છે. આથી, આવી તમામ જગ્યાઓની અઠવાડિયામાં એકવાર ફરજિયાત તપાસ કરી, તેમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો અથવા તેને ઢાંકીને રાખવું અત્યંત જરૂરી છે.
મચ્છરોના ડંખથી બચવા માટેના વિવિધ ઉપાયો મુજબ રાત્રે તેમજ સૂતી વખતે મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો, મચ્છર વિરોધી અગરબત્તી કે રીપેલન્ટ વાપરવા અને ઘરની બારી-બારણાં પર મચ્છરજાળી લગાવવાની. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ વધુ રહેતો હોવાથી તે સમયે ઘરના બારી-બારણાં બંધ રાખવા તેમજ શરીર પૂરેપૂરું ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા હિતાવહ છે. વાહકજન્ય રોગોના સંપૂર્ણ નાશ માટે સમાજમાં સાચી સમજ કેળવાય અને સામૂહિક પ્રયાસો થાય તે દિશામાં જિલ્લા પંચાયત અમરેલીની મેલેરિયા શાખા સતત કાર્યરત છે, અને આ સર્વેક્ષણ તેમજ કામગીરીમાં ફિલ્ડ પર આવતા આરોગ્ય કર્મચારીઓને પૂરતો સહકાર આપવા જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.









Recent Comments