ભાવનગર

રંગોથી ભરેલા હોળીના તહેવારમાં રંગોથી ભરેલી પૌષ્ટિક થાળી અપનાવીએ અને મેદસ્વિતાને હરાવીએ

હોળીનો તહેવાર આનંદ, ઉમંગ અને રંગોની ઉજવણીનો પ્રતીક છે. આ પ્રસંગે વિવિધ પરંપરાગત
વાનગીઓ, મીઠાઈઓ અને તળેલા નાસ્તાનો સમાવેશ સામાન્ય છે. જોકે વધુ કેલરીયુક્ત, તેલિયું અને મીઠું
ખોરાકનું અતિશય સેવન આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને મેદસ્વિતાના જોખમમાં વધારો
કરી શકે છે. તેથી તહેવારની ઉજવણી સાથે આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું આવશ્યક છે.
“રંગોથી ભરેલી થાળી”નો અર્થ માત્ર દેખાવમાં આકર્ષક ભોજન નહીં, પરંતુ પૌષ્ટિક અને સંતુલિત
આહાર છે. થાળીમાં લીલા રંગ માટે લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી, લીલા વટાણા અથવા અન્ય
હરીભાજીનો સમાવેશ કરવો જોઈએ, જે વિટામિન, ખનિજ અને ફાઇબરથી સમૃદ્ધ હોય છે. પીળો રંગ દાળ
અથવા કઢી જેવી પ્રોટીનયુક્ત વાનગીઓ દ્વારા પ્રાપ્ત થાય છે, જે શરીરને શક્તિ આપે છે અને પોષણ પૂરું
પાડે છે. સફેદ રંગ તરીકે ભાત, દહીં અથવા છાશનો સમાવેશ પાચનક્રિયા સુધારવામાં અને શરીરને
સંતુલિત ઊર્જા આપવામાં સહાયક બને છે.
તહેવાર દરમિયાન મીઠાઈ અને તળેલા નાસ્તાનો મર્યાદિત ઉપયોગ કરવો તેમજ પૂરતું પાણી પીવું
પણ આરોગ્ય માટે જરૂરી છે. સાથે સાથે પરિવાર અને મિત્રો સાથે સક્રિય રહી રમતો, નૃત્ય અથવા
ચાલવાની આદત દ્વારા વધારાની કેલરી ખર્ચી શકાય છે. આ રીતે સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલી
અપનાવીને હોળીની ઉજવણી આનંદમય અને આરોગ્યમય બનાવી શકાય છે.
આ હોળીએ રંગોની ખુશીઓ સાથે સ્વસ્થ જીવનનો સંકલ્પ લઈએ. પૌષ્ટિક અને રંગોથી ભરેલી થાળી
અપનાવી મેદસ્વિતાને હરાવીએ અને નિરોગી સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.

Related Posts