પ્રતિમા મૂકીને હરખાયા બધા,
હળીમળીને આનંદ કર્યો.
વાતો ખુમારીની પણ વક્તાઓએ કરી.
પણ મૂળ કિંમત ચૂકવવાનું કેમ વિસરાય જાય છે?
પૂછ્યો સભામાં સવાલ હકનો ત્યારે, ભરસભામાં શાસકોનું મૌન અકળાવનારું જણાય છે..!!
–“પાંધી સર”
કાઠિયાવાડની શૌર્યગાથાના પ્રતીક સમાન નેક નામદાર જોગીદાસબાપુ ખુમાણની પ્રતિમાના અનાવરણને ભલે સમય વીતી ગયો હોય, પરંતુ તેનું આર્થિક પાસું આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. પાલિકા સદસ્ય નાસિરભાઈ ચૌહાણ દ્વારા ઉઠાવવામાં આવેલા એક ધારદાર સવાલે સભાખંડમાં સોપો પાડી દીધો હતો અને સત્તાધીશોના મૌન સામે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
ઉજવણીમાં ઉત્સાહ, ચુકવણીમાં ઉદાસીનતા?
નાસિરભાઈએ સભામાં પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે, જે પ્રતિમાનું અનાવરણ અત્યંત ધામધૂમથી અને ભવ્ય સમારોહ પૂર્વક કરવામાં આવ્યું હતું, તે પ્રતિમાના અંદાજે રૂપિયા ૭.૩૦ લાખનું બિલ હજુ સુધી કેમ ચૂકવવામાં આવ્યું નથી? આશ્ચર્યની વાત તો એ છે કે, અનાવરણ વિધિ પાછળ થયેલા અન્ય આનુષંગિક ખર્ચાઓની ચુકવણી થઈ ગઈ છે, પરંતુ જે મૂળ પ્રતિમા છે તેનું બિલ જ અટવાયું છે.!!!
જ્યારે આ ગંભીર મુદ્દો સભામાં ગાજ્યો, ત્યારે સભાના અધ્યક્ષ સ્થાનેથી કોઈ સંતોષકારક જવાબ મળવાને બદલે માત્ર મૌન જોવા મળ્યું હતું. મૌન એટલે જાણે મહાભારતના દ્રૌપદી વસ્ત્રાહરણ સમયની સ્તબ્ધતા ન હોય એવી નિરવતા છવાઈ. આ મૌને લોકશાહીના મૂલ્યો સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે જો ચૂંટાયેલા જનપ્રતિનિધિના સવાલોના જવાબમાં આવું મૌન સેવવામાં આવતું હોય, તો સામાન્ય જનતાની હાલત કેવી હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આ મુદ્દે હવે આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે અથવા બિલની ચુકવણી ક્યારે થાય છે, તેના પર સમગ્ર શહેરની મીટ મંડાયેલી છે.


















Recent Comments