અમરેલી

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે કન્ટેન્ટ ક્રીએટર લેબનું ઉદ્ઘાટન કરતા ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી

અમરેલી ખાતે આવેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલમાં ડેફોકેર લેબના સહયોગથી અમરેલી જિલ્લાની પ્રથમ કન્ટેન્ટ ક્રીએટર લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબનું ઉદ્ઘાટન ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી દિશા આપતી આ પહેલને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જીઓ કંપની દ્વારા ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલને સમગ્ર અમરેલી જિલ્લાની પ્રથમ “એ.આઈ રેડી સ્કૂલ ” તરીકે માન્યતા આપતું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું.

વિશેષરૂપે આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એ.આઈની મદદથી તૈયાર કરવામાં આવેલી એ.આઈ શોર્ટ ફિલ્મ યુથ સેન્ટર ઉદ્દભવ પણ લોન્ચ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી.

આ લેબ દ્વારા વિદ્યાર્થીઓને એ.આઈ,રોબોટિક્સ,ડિજિટલ કન્ટેન્ટ અને નવીન ટેક્નોલોજી અંગે પ્રાયોગિક અને આધુનિક તાલીમ મળશે. જેના કારણે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ટેક્નોલોજી પ્રત્યેનો રસ વધશે તથા તેઓ ભવિષ્યના ટેક્નોલોજી આધારિત વિશ્વ માટે વધુ સજ્જ બનશે.

આ પહેલ દ્વારા ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનો મહત્વનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે સંસ્થા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અશ્વિનભાઈ સાવલિયા, એમ. કે. સાવલિયા, કનુભાઈ ગોજારીયા અને બીપીનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જયભાઈ કાથરોટિયા દ્વારા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમનું સંચાલન જીગર નાગલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ લેબની સ્થાપનામાં મળેલા સહયોગ બદલ ડેફોકેર લેબના સેતુબેન પટેલનો સંસ્થા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન મહાનુભાવો દ્વારા શાળાના સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનો સાથે મુલાકાત કરવામાં આવી હતી. અંતમાં ટ્રસ્ટી મંડળ દ્વારા મહાનુભાવોની મુલાકાત બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts