ગુજરાત

જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પંદરમી શાળા – સ્વામી સચ્ચિદાનંદ માધ્યમિક શાળાનું લોકાર્પણ

જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા ,
સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું આજરોજ તા.૨૫/૩/૨૬ ના રોજ ભવ્ય લોકાર્પણ થયું હતું.
પાટણ જીલ્લાના સમી તાલુકામાં આવેલા બાસ્પા ગામમાં એટલે સ્વામી સચ્ચિદાનંદજીના વતન મૂંજપુર પાસે તૈયાર થયેલી કુલ દસ ઓરડાની આ માધ્યમિક શાળાનું જગદીશ ત્રિવેદીએ
“ સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળા “ એવું નામકરણ કર્યું હતું.
ગાંધી આશ્રમ, ઝીલીયા દ્વારા સંચાલિત આ શાળાનું સંચાલન પદ્મશ્રી પુરસ્કૃત ગાંધીવાદી શિક્ષણશાસ્ત્રી શ્રી માલજીભાઈ દેસાઈ અને એમની સંસ્થા કરશે.
આ પ્રસંગે પંચાણુ વરસની જૈફ વયે ખૂદ પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ પોતે આ શાળાનું ઉદઘાટન કરવા પધાર્યા હતાં. મુખ્ય અતિથિ તરીકે જગદીશ ત્રિવેદીના કલાગુરૂ પદ્મશ્રી શાહબુદીન રાઠોડ હતા તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 

આશરે સાઈઠ લાખ રુપિયાના ખર્ચે તૈયાર થયેલી આ શાળાને પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું નામ મળે એ શરતે જગદીશ ત્રિવેદીએ પચીસ લાખ રુપિયાનું દાન આપ્યું હતું.
આગામી બાવીસમી એપ્રિલના રોજ સ્વામીજીના પંચાણુમા જન્મદિવસ નિમિત્તે જગદીશ ત્રિવેદીએ સ્વામીજીને પંચાણુ હજાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો એ પણ સ્વામીજીએ બાસ્પા ગામની આ શાળાને અર્પણ કર્યો હતો આમ જગદીશ ત્રિવેદી તરફથી કુલ પચીસ લાખ પંચાણુ હજારનું દાન આ શાળાને પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે વઢીયાર પંથકના ઘણાં આગેવાનો , શિક્ષણવિદો અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહીત આશરે બે હજાર જેટલાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સૌ ભોજન લઈને છુટ્ટા પડ્યા હતા.

Related Posts