સવારે સૂર્યનો કેવો અનોખો
આ મિજાજ છે,
કે સંધ્યાના રંગોમાં
છુપાયેલો કોઈ રાજ છે.
ખુલી છે આભની આંખો
આ માવઠાની વકીમાં,
કુદરત તારા આ બદલાતા રૂપોની ગજબ ગાજ છે.
–“પાંધી સર”
પર્યાવરણમાં આવી રહેલા ઝડપી પરિવર્તનો વચ્ચે આજે સાવરકુંડલાના આકાશમાં કુદરતનું એક અદભૂત અને અલભ્ય રૂપ જોવા મળ્યું હતું. વહેલી સવારે ૬:૧૫ કલાકે સૂર્યોદયના સમયે અને સાંજે ૬:૩૦ કલાકે સૂર્યાસ્ત વેળાએ આકાશમાં જે રંગોની હોળી ખેલાઈ હતી, તે જોઈને નગરજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જોકે, આ મનોહર દ્રશ્યોની પાછળ માવઠાની બદલાતી આશંકાઓ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.
વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પોતાના કેમેરામાં આ બંને સમયના વિશિષ્ટ પરિદ્રશ્યોને કેદ કર્યા છે. સવારની એ આછી ગુલાબી ઠંડક અને સાંજની એ કેસરી આભા, વાતાવરણમાં થઈ રહેલા પલટાની ગવાહી આપી રહી છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આકાશમાં સર્જાયેલા આ વિશિષ્ટ વાદળો અને રંગો ખેડૂતો અને સામાન્ય જનતા માટે કુદરતનો કોઈ અગમ્ય સંકેત હોય તેમ જણાય છે. બદલાતા પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં આ તસવીરો માત્ર કુદરતી સૌંદર્ય જ નહીં, પણ પ્રકૃતિના બદલાતા મિજાજની પણ ઓળખ છે.














Recent Comments