ભાવનગર

રાડવામાં સંત ભાગવતાચાર્ય પૂ.રમેશભાઈ ઓઝાના પાવન હસ્તે “પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય”નું લોકાર્પણ

સૌરાષ્ટ્રની પાવન ધરતી અને હળવદ તાલુકાના ચરાડવા ગામ માટે ગૌરવ સમાન એક ઐતિહાસિક પ્રસંગ આગામી ૫ ઓક્ટોબર, ૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ચરાડવા ખાતે યોજાનાર છે. ચરાડવા ગામના પનોતા પુત્ર તથા કિડની ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવાઓથી દેશ-વિદેશમાં નામના મેળવનાર પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબની સ્મૃતિને ચિરંજીવ રાખવાના હેતુથી “પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય”નું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે.

આ પુસ્તકાલયનું નિર્માણ પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત આ ૧૧મું પુસ્તકાલય છે. ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વાંચનની ટેવ વિકસે તથા નવી પેઢીને જ્ઞાન અને સંસ્કાર સાથે જોડવામાં આવે તેવા ઉમદા હેતુથી આ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ભવ્ય લોકાર્પણ સમારોહનું ઉદ્ઘાટન  સંત અને ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી)ના પાવન હસ્તે કરવામાં આવશે.

માતૃભૂમિની સેવાને સમર્પિત મહાન વ્યક્તિત્વની સ્મૃતિમાં જ્ઞાન મંદિર
ચરાડવા ગામે જન્મેલા પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબે કિડની રોગથી પીડિત દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. વિદેશની સુખ-સુવિધા અને ધીકતી કમાણીનો ત્યાગ કરી ભારત પરત ફરી અમદાવાદમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી તેમણે તબીબી ક્ષેત્રે તેમજ માનવસેવામાં અનોખું યોગદાન આપ્યું હતું.
તેમની જન્મભૂમિ ચરાડવા ખાતે તેમના નામે પુસ્તકાલયનું નિર્માણ એ તેમના જ્ઞાન, સેવા, સમર્પણ અને માનવતાના જીવનમૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ છે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે લોકાર્પણ
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે શ્રીમતી સુનિતાબેન એચ. ત્રિવેદી, પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી, ડૉ. પ્રાંજલ મોદી – ડાયરેક્ટર, IKD કિડની હોસ્પિટલ, અમદાવાદ, શ્રી દિલીપભાઈ દેશમુખ – અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રો. (ડૉ.) ચેતન ત્રિવેદી – પૂર્વ કુલપતિશ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત પ્રેરક ઉપસ્થિતિ તરીકે શ્રી ચંદુભાઈ શિહોરા, સંસદસભ્યશ્રી, સુરેન્દ્રનગર તથા શ્રી પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્યશ્રી, હળવદ ઉપસ્થિત રહેશે.
જય શ્રી રામ ગૌશાળા દ્વારા પુસ્તકાલયનું નિયમિત સંચાલન થશે.

“પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય”નું નિયમિત સંચાલન જય શ્રી રામ ગૌશાળા – ચરાડવા દ્વારા કરવામાં આવશે. પુસ્તકાલયનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનો સુધી પહોંચે અને ચરાડવા તથા આસપાસના વિસ્તારમાં વાંચન અને જ્ઞાનની સંસ્કૃતિ વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવશે.
આ કાર્યક્રમના સંકલનમાં શ્રી મહેશભાઈ કાનાણી તથા શ્રી તપનભાઈ દવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પુસ્તકાલયનું લોકાર્પણ માત્ર એક પુસ્તકાલયના ઉદ્ઘાટન પૂરતું નથી, પરંતુ એક મહાન સેવાભાવી વ્યક્તિત્વની સ્મૃતિને જ્ઞાન અને સંસ્કારના દીપક દ્વારા સતત પ્રજ્વલિત રાખવાનો સંકલ્પ છે.

પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબનું જીવન નવી પેઢી માટે સેવા, સંઘર્ષ, સમર્પણ અને સફળતાની પ્રેરણારૂપ ગાથા છે. તેમના નામે શરૂ થનાર આ પુસ્તકાલય ચરાડવા ગામના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જ્ઞાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. 

Related Posts