ગાયના છાણમાં દીઠો છે
મેં તો જ્ઞાનનો સૂરજ નવો,
ઝેરમુક્ત આ ધરા કરવા જગાડ્યો ભાવ મેં નવો.
ગૌ-કૃપાના અમૃતથી
ખેતી બને જો નંદનવન,
સ્વરાજનું સપનું હવે
સાકાર કરવા સંકલ્પ લ્યો.
–“પાંધી સર”
સાવરકુંડલા તાલુકાના થોરડી સ્થિત લોકવિદ્યા મંદિર ખાતે તાજેતરમાં શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ અને લોકસેવક સંઘના સંયુક્ત ઉપક્રમે ‘ગાય આધારિત ગ્રામ સ્વરાજ’ વિષય પર વિશેષ ‘પૂનમ મીટિંગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો, ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સૂત્રની આંટી અને કંકું ચોખા સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાર્થના બાદ પ્રાકૃતિક ખેતી સંદર્ભે જેમાં ખેતી અને પશુપાલનના સમન્વયથી ભારતને ફરી સોનાની ચિડીયા બનાવવા તરફના માર્ગ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રારંભમાં કાંતિદાદા દ્વારા ઉપસ્થિત તમામ આમંત્રિતોનું શબ્દો રૂપી પુષ્પગુચ્છ દ્વારા ભાવભર્યું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
બંસી ગીર ગૌશાળાના શ્રી ગોપાલભાઈ સુતરીયાએ ગાય આધારિત ખેતીને માત્ર શ્રદ્ધા નહીં પણ સંપૂર્ણ વિજ્ઞાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગાયના છાણ અને મૂત્રમાં અદભૂત ઔષધીય ગુણો છે. ગાયના માધ્યમથી ૬૦૦થી વધુ ઉત્પાદનો બનાવી શકાય છે. ખેડૂતોને પ્રોસેસ્ડ છાણનો ઉપયોગ કરવા અને ‘ગૌ કૃપા અમૃતમ’ જેવા બેક્ટેરિયા કલ્ચર અપનાવવા તેમણે ખાસ આગ્રહ કર્યો હતો. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના ઉદાહરણ દ્વારા તેમણે ગાયની સર્વસ્વીકાર્યતા વિશે પણ પ્રકાશ પાડ્યો હતો.
આજે વિશ્વ યુધ્ધના માહોલ વચ્ચે ગેસનું સંકટ ભોગવી રહી છે ત્યારે બાયોગેસની આવશ્યકતા પર ભાર મૂકતાં
NDDBના કન્સલ્ટન્ટ ડો. કે. પી. પટેલે આધુનિક બાયોગેસ પ્લાન્ટના મહત્વ વિશે સમજ આપી હતી. બાયોગેસની સ્લરી (રબડી) ખેતી માટે શ્રેષ્ઠ ખાતર છે અને મહિલા સહકારી મંડળીઓ આ સ્લરીના વેચાણ દ્વારા આર્થિક રીતે પગભર થઈ શકે છે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. પીડીલાઈટના રાજેશભાઈએ ખેડૂતોને વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) દ્વારા આત્મનિર્ભર બનવા અને ખાખરા, આમળા તથા અથાણાં જેવા ગૃહ ઉદ્યોગો દ્વારા રોજગારીની તકો ઊભી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
દીપકભાઈ શેઠે આજના ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માનવીય મૂલ્યો અને સામાજિક વ્યવસ્થા જાળવીને કેવી રીતે જીવી શકાય તે વિશે ઊંડું ચિંતન રજૂ કર્યું હતું. રાજેન્દ્રભાઈ ખીમાણી દ્વારા પણ પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી શ્રી હિંમતભાઈ ગોડાએ બળદની ઘટતી સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરી પશુપાલન વગરની ખેતી અધૂરી હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં હરેશભાઈ ત્રિવેદી, મુકુંદભાઈ નાગ્રેચા, ડૉ. પ્રકાશ કટારીયા, પત્રકાર બિપીનભાઈ પાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખભાઈ વાળાએ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું અને અંતે સૌએ ભાવપૂર્વક સાત્વિક ભોજન ગ્રહણ કર્યું હતું.
















Recent Comments