અમરેલી

શૂન્ય બેઠકો પર માસૂમની યાદો: ઈરાનનો પાકિસ્તાન પ્રવાસ અને યુદ્ધના આક્રંદનો પડઘો

​ખાલી પડેલી સીટ પર 

નિશાની રહી ગઈ,

માસૂમ એવા ફૂલની 

કહાની રહી ગઈ.

​શાંતિના નામે ભલે 

હસ્તાક્ષર થાય અહીં,

પણ આંખમાં લોહીની 

રવાની રહી ગઈ.

–“પાંધી સર”

​તાજેતરમાં ઈરાની સંસદના સ્પીકર બાકેર કાલિબાફ જ્યારે ઈસ્લામાબાદ પહોંચ્યા, ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન માત્ર તેમના રાજદ્વારી મિશન પર જ નહીં, પણ તેમના વિમાનની અંદરના દ્રશ્યો પર પણ ગયું. વિમાનની ખાલી બેઠકો પર માસૂમ બાળકોની તસવીરો, તેમના નાનકડા સ્કૂલ બેગ અને જૂતા રાખવામાં આવ્યા હતા. આ એ બાળકો છે જેઓ સંઘર્ષની આગમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કાલિબાફે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરીને દુનિયાને એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે યુદ્ધ માત્ર સરહદો નથી બદલતું, પણ ભવિષ્યને પણ કચડી નાખે છે.

​શાંતિની શોધમાં માનવીય કિંમતનો સવાલ પણ મનોમંથન માંગે છે. 

​કોઈપણ પૂર્વગ્રહ વગર આ ઘટનાનું વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે કે ઈરાન અહીં ‘સોફ્ટ પાવર’ અને ‘ઇમોશનલ ડિપ્લોમેસી’નો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે બે દેશો વચ્ચે સમાધાનની વાતો થાય છે, ત્યારે ઘણીવાર ટેબલ પર આંકડા અને શરતો હોય છે, પણ કાલિબાફે આ પ્રવાસ દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે કોઈપણ શાંતિ કરાર એ ગુમાવેલા જીવોની ભરપાઈ કરી શકતો નથી. આ પ્રદર્શન દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો પક્ષ મજબૂત કરવાની સાથે માનવીય સંવેદનાઓને પણ જગાડી રહ્યું છે.

​યુદ્ધમાં કોણ સાચું અને કોણ ખોટું એ ચર્ચાઓ ક્યારેય અટકતી નથી, પરંતુ રક્ષણ પામવા લાયક માસૂમોનો ભોગ લેવાય ત્યારે માનવતા હારે છે. જો ભવિષ્યમાં શાંતિ સ્થાપિત થાય તો પણ, આ ખાલી બેઠકો હંમેશા યાદ અપાવશે કે ઈરાન માટે આ સંઘર્ષ કેટલો મોંઘો સાબિત થયો છે. એક જવાબદાર વૈશ્વિક સમુદાય તરીકે, સત્યને સમજવા માટે આપણે રાજકીય ચશ્મા ઉતારીને આ માસૂમોના મૌન અવાજને સાંભળવો જરૂરી છે.

Related Posts