કાગળ ઉપર તો દેશમાં બધે જ ‘શાંતિ’ દેખાય છે,
પણ સાવરકુંડલાની લાઈનોમાં જનતા પીસાય છે.
બાળકોને તેડીને કતારમાં ઉભી છે એ લાચાર મા!!
સરકારી વાતો ને સત્ય વચ્ચે કેવો મોટો તફાવત જણાય છે!
–“પાંધી સર”
દેશમાં ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી તેવી સરકારની જાહેરાતો વચ્ચે સાવરકુંડલામાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરની એરો ગેસ એજન્સી ખાતે ગેસ રિફિલ માટે ગ્રાહકોની કીડિયારું ઉભરાય તેમ લાંબી લાઈનો લાગી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો નાના બાળકોને સાથે રાખીને ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.
આ કપરી પરિસ્થિતિની જાણ થતા જ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ સ્થળ મુલાકાત લીધી હતી. પ્રત્યક્ષ પરિસ્થિતિ જોઈને તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને એજન્સીને કાયદેસરની ચીમકી આપતા જણાવ્યું હતું કે, “જો એક અઠવાડિયામાં આ હાલાકી દૂર કરવામાં નહીં આવે, તો આ મામલે કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવશે અને કડક કાર્યવાહીની માંગ કરાશે.”
સાથે જ ગ્રાહક સુરક્ષા મંડળ-સાવરકુંડલા પણ હરકતમાં આવ્યું છે. મંડળના સભ્યોએ મામલતદારશ્રીને રૂબરૂ મળીને આ સમસ્યા અંગેનો સવિસ્તર અહેવાલ સોંપ્યો છે. અરે! આજે બપોરે કાળઝાળ ગરમીમાં સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ સદસ્ય જીગ્નેશભાઈ ભરાડ અશોકભાઈ ખુમાણ તથા હરિભાઈ ટાંકે તો લાઈનમાં ઉભેલા ગેસ ધારક ગ્રાહકોને ઠંડા શરબત પીવડાવી તેમની તૃષા શાંત કરી હતી. ગરમીના પ્રકોપને કારણે તરસ પણ વધુ લાગે એ સ્વાભાવિક છે. અખબારી અહેવાલો અને તંત્રના દબાણ બાદ હવે જોવાનું એ રહે છે કે એજન્સી સંચાલકો કેવું વલણ અપનાવે છે અને સામાન્ય જનતાને કતારોમાંથી ક્યારે મુક્તિ મળે છે.??

















Recent Comments