અમરેલી

સાવરકુંડલાના સંગીત શિક્ષકે સુરાધિરાજ આશા ભોંસલેજીને અર્પી ભાવભીની સ્મરણાંજલિ

સૂરના એ આભમાં હવે એક                               ખાલીપો રહી ગયો,

સ્મરણોના પાલવમાં મીઠો                            આલાપ વહી ગયો.

​ગુંજશે યુગો સુધી આશાજી 

તમારો એ પવિત્ર સાદ,

કાઠિયાવાડી હૈયામાં 

આપનો  સંગાથ રહી ગયો.

–“પાંધી સર”

​તાજેતરમાં સંગીત જગતના મહારાણી આશા ભોંસલેજીના નિધનથી સમગ્ર કલા જગત શોકમાં ગરકાવ છે, ત્યારે સાવરકુંડલાની જે. વી. મોદી હાઈસ્કૂલના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાએ પોતાની જૂની યાદો તાજી કરી આશાજીને અનોખી સ્મરણાંજલિ અર્પી છે. સંજયભાઈ મહેતાએ આશાજી સાથેની એક દુર્લભ તસવીર શેર કરતા ભાવુક થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી મિજાજ, લોકગીત અને ગઝલ ગાયકીમાં અનોખી આભા પ્રસ્થાપિત કરનાર સુપ્રસિદ્ધ ગાયક સ્વ. પ્રાણલાલ વ્યાસ, સંજયભાઈ મહેતાના સગા મામા થાય છે. આ કૌટુંબિક નાતાને કારણે સંજયભાઈ પાસે સંગીત જગતની અનેક અમૂલ્ય યાદોનો ખજાનો સચવાયેલો છે.

​૧૯૭૨નું એ ઐતિહાસિક રેકોર્ડિંગ

સંજયભાઈએ ૧૯૭૨માં મુંબઈના સ્ટુડિયોમાં થયેલા એક ગીતના રેકોર્ડિંગની તસવીર વાગોળતા જણાવ્યું હતું કે, એ સમયે આશા ભોંસલેજી અને તેમના મામા સ્વ. પ્રાણલાલ વ્યાસ એકસાથે સ્ટુડિયોમાં હાજર હતા. આ પ્રસંગે ગુજરાતી સુગમ સંગીતના માંધાતા પુરુષોત્તમ ઉપાધ્યાય અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આશાજીએ ગુજરાતી ગીતોમાં જે મીઠાશ રેડી છે તે આજે પણ કાનમાં ગુંજે છે. કાઠિયાવાડી ગાયકી અને આશાજીના અવાજનો એ સંગમ સંગીત ઇતિહાસની એક સુવર્ણ ક્ષણ હતી.

​સાવરકુંડલાના આ કલાપ્રેમી શિક્ષકે આશાજીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને તેમના મામા સાથેના સંગીતના એ વારસાને યાદ કરી અંજલિ આપી હતી.

Related Posts