અમરેલી

સાવરકુંડલાની દીકરીઓએ પીંછીના સ્પર્શે કલાને જીવંત કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ‘વિશ્વ કલા દિવસ’ની વિશિષ્ટ ઉજવણીની એ સ્મૃતિઓ વાગોળાઈ. 

​હરેક રંગમાં છુપાયેલી 

એક નવી વાતો મળે છે,

જ્યારે કાગળ પર દીકરીઓની 

પીંછી કૈંક લખે છે.

​કલાના આ આકાશમાં ઉડાન 

એમની ન્યારી છે,

શૂન્યમાંથી સર્જન કરવાની 

જીદ પણ બહુ પ્યારી છે.

–“પાંધી સર”

વિશ્વભરમાં ૧૫મી એપ્રિલના રોજ મહાન કલાકાર લિયોનાર્ડો દ વિન્ચીના જન્મદિવસને ‘વિશ્વ કલા દિવસ’ (World Art Day) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે સાવરકુંડલાના કલાજગતમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના ભૂતપૂર્વ શિક્ષક અને કવોલીફાઈડ ચિત્રકલા નિષ્ણાંત શ્રી યોગેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ પોતાની કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.એ સંસ્મરણો પ્રસ્તુત તસ્વીરમાં જોવા મળે છે. 

​યોગેશભાઈ પરમાર, જેઓ વર્ષોથી કલા ક્ષેત્રે કાર્યરત છે, તેમના કુશળ માર્ગદર્શન હેઠળ ડાભી બંસી, ત્રિવેદી ચાર્મિ અને ચૌહાણ કાવ્યા જેવી અનેક કલાસાધકોને તૈયાર કરતાં જોવા મળતાં પ્રસ્તુત તસ્વીરમાં આ વિદ્યાર્થીનીઓએ પોતાની કલ્પનાશક્તિ અને રંગોના સુમેળથી મનમોહક અને અલભ્ય ચિત્રો તૈયાર કર્યા હતા. આ કૃતિઓ માત્ર રેખાઓ અને રંગોનું મિશ્રણ નથી, પરંતુ તે કલા પ્રત્યેની તેમની નિષ્ઠા અને મહેનતનું પરિણામ છે.યોગેશભાઈ પરમાર હાલ નિવૃત કર્મચારી તરીકે પોતાનો સમય વ્યતીત કરે છે. 

​ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨થી શરૂ થયેલી આ વૈશ્વિક ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ઉભરતા કલાકારોને મંચ પૂરું પાડવાનો છે. સાવરકુંડલાની આ દીકરીઓએ પોતાની કલાત્મક સૂઝબૂઝથી આ ઉદ્દેશ્યને સાર્થક કરેલ. તેમની આ સિદ્ધિ બદલ કલાપ્રેમીઓ દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા

Related Posts