અમરેલી

ગુજરાત સરકારના સહયોગથી રાજ્યમાં પ્રતિ વર્ષ ૧૦૦ આદર્શ ગામ વિકસિત કરવાની નેમ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં દર વર્ષે ૧૦૦ જેટલા ગામને આદર્શ ગામ તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સહયોગથી આગામી સમયમાં રાજ્યના વિવિધ ગામોને આદર્શ ગ્રામ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે શ્રીરામ ચરિત માનસ આધારિત શિવકથામાં વિશેષરૂપે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરીસંવાદમાં રાજ્યપાલશ્રીએ આદર્શ ગ્રામની પરિકલ્પના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આદર્શ ગ્રામમાં સરોવર અને ખેલકૂદના મેદાન હશે, રોડ રસ્તા પાક્કા અને સ્વચ્છ હશે, નવી સ્કૂલો, વૃક્ષારોપણથી ગામને હરિયાળું બનાવાશે, સ્વચ્છતાની પણ એટલી જ જાળવણી હશે અને શહેરો જેવી જ સુવિધાથી ગામડાંઓને સજ્જ કરવામાં આવશે.

રાજ્યપાલશ્રીએ આ સભાને સંબોધતા કહ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવના પરિણામે નાના બાળકો પણ કેન્સર, ડાયાબિટીસ વગેરે ગંભીર બીમારીઓના ભોગ બની રહ્યા છે, આજથી ૪૦ વર્ષ પૂર્વે કેન્સર જેવી બીમારીનો ઉલ્લેખ સુધ્ધાં જોવા મળતો ન હતો, પરંતુ આજે તેના ખૂબ મોટાં પ્રમાણમાં કેસ જોવા મળી રહ્યા છે.

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિરેકથી ફળ ફળાદી, અનાજ વગેરે ઝેરયુક્ત બન્યા છે, તેથી જ ગંભીર બીમારીઓ વકરી છે. રાજ્યપાલશ્રીએ એક રિપોર્ટને ટાંકતા જણાવ્યું કે, રાસાયણિક કૃષિના પરિણામે માતાનું દૂધ પણ ઝેરયુક્ત બન્યું છે, વૈજ્ઞાનિકોના સંશોધનમાં માતાના દૂધમાં પણ યુરિયા, કીટનાશક, ડિટરજન્ટ વગેરે હાનિકારક તત્વો જોવા મળી રહ્યા છે.

રાજ્યપાલશ્રીએ આ સ્થિતિમાં ખેડૂતોને તબક્કાવાર રીતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પહેલાં પોતાના પરિવાર માટે જમીનના એકાદ ભાગમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરો અને તબક્કાવાર તેમાં વધારો કરતો જવો જોઈએ. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટે છે તે ધારણા તદ્દન ખોટી છે, પરંતુ ખેડૂતોનો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ભરોસો કેળવાય તે માટે જમીનના એક ભાગમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવી જોઈએ.

રાસાયણિક કૃષિથી જમીન બિન ઉપજાવ બની ચૂકી છે, અત્યારે જે કૃષિ ઉત્પાદન મળી રહ્યું છે તે માત્ર બહારના ઇનપુટથી મળી રહ્યું છે, કૃષિ ઉત્પાદનના આધાર સમાન ઓર્ગેનિક કાર્બન પણ ૦.૫ નીચે પહોંચી ગયો છે. જે એક સમયે ૨ થી ૨.૫ હતો અને જમીન સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, હરિત ક્રાંતિના પ્રણેતા ડો. સ્વામીનાથને ૧ હેક્ટરમાં માત્ર ૧૩ કિલોગ્રામ યુરિયા નાખવાની ભલામણ કરી હતી. પરંતુ રાસાયણિક ખાતરના અતિરેકભર્યા ઉપયોગથી આજે જમીનની ફળદ્રુપતા ઘટી છે અને સખત પથ્થર જેવી થતી ગઈ છે.  

રાજ્યપાલશ્રીએ વીડિયો નિદર્શનના માધ્યમથી જણાવ્યું કે, રાસાયણિક કૃષિથી વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી, તેમાં રહેલું નમકનું તત્વ જમીનને સખત અને કડક બનાવે છે. જે ભવિષ્યમાં પાણીની સમસ્યાને વિકરાળ બનાવશે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને જૈવિક ખેતીથી તદ્દન અલગ ગણાવતા કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ ખેતી છે, જેમ જંગલનાં વૃક્ષોને બહારથી પોષક તત્વો આપવાની જરૂરિયાત રહેતી નથી, તે જ સિદ્ધાંત મુજબ પ્રાકૃતિક કૃષિ કામ કરે છે. માત્ર એક દેશી ગાય દ્વારા જ ૧૫ થી ૨૦ એકરમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.

રાજ્યપાલશ્રીએ હિમાચલ પ્રદેશમાં પોતાના ગવર્નર તરીકેના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એ વિસ્તારના જે ખેડૂતો રાસાયણિક દવાનો છંટકાવ કરતા તેમનામાં ચર્મરોગ જોવા મળતો હતો. ત્યારે દેશના તમામ ખેડૂતોને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે પ્રાકૃતિક કૃષિનું અભિયાન શરૂ કર્યું હતું છે. જે અવિરત આગળ વધ્યુ છે, આજે ગુજરાતમાં આઠ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાસાયણિક કૃષિ લોકોને હોસ્પિટલ પહોંચાડે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ લોકોને તંદુરસ્ત આરોગ્ય પ્રદાન કરે છે.

રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાઓના સંદર્ભમાં કહ્યું કે, આ સંસ્થાઓ અક્ષર જ્ઞાન તો આપી જ રહી છે, સાથે જ મનુષ્યના જીવનનો સાચો ઉદ્દેશ્ય અને મહત્વ શું છે તેનો પણ અભ્યાસ કરાવી રહી છે. આ શિક્ષા થકી જ પરિવાર, સમાજ અને દેશનું કલ્યાણ થાય છે. રાજ્યપાલશ્રીએ શ્રી હરિ ગ્રુપ અને દુધાત પરિવારના યોગદાનથી જીર્ણોદ્ધાર પામેલા શિવાલયના સંદર્ભમાં કહ્યું કે, આજની પેઢી માટે મંદિર પ્રેરણાસ્ત્રોત છે, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડનાર, વ્યસનથી બચાવનાર પણ છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીનું શ્રી હરિ ગ્રુપ- દુધાત પરિવાર, ગામ આગેવાનો અને મહંત સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, મંગલ સ્વામી સહિતના સંતોએ સ્મૃતિચિન્હ અર્પણ કરીને વિશેષ સ્વાગત-સન્માન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત થયેલા જણસોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય આયોજકશ્રી, રાકેશભાઈ દુધાતે કાર્યક્રમના પ્રારંભે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે પોતાના ગામ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માતા અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ વિશેષ છે. ત્રાકુડા ગામ માટે કંઈક કરી છૂટવાની ભાવનાના પરિણામે, મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ અમૃત સરોવરનું નિર્માણ એ પ્રારંભિક કાર્યો છે.

કાર્યક્રમના પ્રારંભે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના મહંત સ્વામી શ્રી સહિતના સંતોએ આર્શીવચન પાઠવ્યા હતા.આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો, અગ્રણી શ્રી મનહરભાઈ, શ્રી ઘનશ્યામભાઈ શંકર, શ્રી રાકેશ ધોળકિયા, શ્રી દિનુભાઈ દુધાત, ત્રાકુડા ઉપરાંત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts