વિકાસના આ પંથ પર એક
નવો સૂર્યોદય જોઈએ,
શહેરમાં જ્ઞાનનો દીવો જલે
એવું એક મહાલય જોઈએ.
માત્ર રસ્તા કે સરોવરથી પૂરું નહીં થાય કામ મિત્રો
પુસ્તકો શ્વાસ લઈ શકે એવું ભવ્ય એક વાંચનાલય જોઈએ.
–“પાંધી સર”
આજરોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પુસ્તક દિવસ’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે સાવરકુંડલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને શિક્ષણવિદોમાં એક મહત્ત્વની ચર્ચાએ જોર પકડ્યું છે. વિકાસના પંથે પૂરજોશમાં દોડી રહેલા સાવરકુંડલામાં જ્યાં નાવલી નદીને પુનઃ જીવંત કરવાના પ્રયાસો, અટલ સરોવરનું નિર્માણ, આધુનિક ઓડિટોરિયમ અને સ્માર્ટ GIDC જેવા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે, ત્યાં શિક્ષણના પાયા સમાન એક ભવ્ય અને અદ્યતન લાયબ્રેરીની ખોટ વર્તાઈ રહી છે.
સ્થાનિક બુદ્ધિજીવીઓનું માનવું છે કે જો સમાજ શૈક્ષણિક રીતે પગભર થશે, તો શહેરની પ્રગતિ આપોઆપ વેગીલી બનશે. આ હેતુથી સાવરકુંડલામાં એક એવી બહુમાળી લાયબ્રેરીનું નિર્માણ થાય જે ૨૪ કલાક ખુલ્લી રહે, જેમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી, સંપૂર્ણ સિક્યોરિટી અને ડિજિટલ યુગને અનુરૂપ સંસાધનો હોય. આ લાયબ્રેરી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં એક મોડેલ તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.વિશ્વ પુસ્તક દિવસના અવસરે શહેરના જાગૃત નાગરિકો દ્વારા એવી વિનંતી કરવામાં આવી છે કે વર્તમાન ધારાસભ્ય, સાંસદ અને આગામી નગરપાલિકાના હોદ્દેદારો આ દિશામાં ઠોસ આયોજન કરે. સરકાર સમક્ષ નિયત સમયમર્યાદામાં દરખાસ્ત મૂકીને કરોડોના ખર્ચે એક ‘માહિતી ભંડાર’ પુસ્તકાલય કમ વાંચનાલય તૈયાર કરવામાં આવે તે સમયની માંગ છે. જો રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને પ્રાધાન્ય આપશે, તો સાવરકુંડલાના યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જ્ઞાન સાધના માટે એક મજબૂત પ્લેટફોર્મ મળી રહેશે.

















Recent Comments