તરસ છીપાવવા કાજે જેણે
આ ધરણી પર પ્યાર વહાવ્યો છે,
માનવતાનો સાચો રસ્તો આ ‘સમર્પણ’ એ બતાવ્યો છે.
કુંડામાં પાણી ને હૈયામાં કરુણાનો અખૂટ આ સંગમ છે,
અબોલ જીવોના આશીષે સાવરકુંડલામાં આજે મંગલ છે.
–“પાંધી સર”
છેલ્લા ૧૬ વર્ષથી મૂંગા અને અબોલ જીવોની સેવામાં કાર્યરત ‘શ્રી સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર’ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જેસર રોડ પર સ્થિત સમિતિના કેન્દ્ર ખાતે રવિવાર, ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ દાતાઓના આર્થિક સહયોગથી પક્ષીઓ માટે માટીના કુંડા અને પશુઓ માટે સિમેન્ટની પાણીની અવેડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રકલ્પમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રવીણભાઈ સાવજ, વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ માનસેતા, જૈન સમાજના અગ્રણી કિશોરભાઈ સંઘવી, અશોકભાઈ સંઘવી, પ્રકાશભાઈ દોશી, રજનીભાઈ ગોહિલ, વિરલભાઇ રાઠોડ અને ભદ્રેશભાઈ દોશી સહિતના અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ સમિતિની ૧૬ વર્ષની અવિરત સેવા યાત્રાને બિરદાવી હતી.
વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓ અને પશુઓને પાણીની સુવિધા મળી રહે તે હેતુથી કુલ ૬૦૦ કુંડા અને ૧૫ મોટી અવેડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખીરાદાદા, વિશાલભાઈ મકવાણા, મેહુલભાઈ લાંબરીયા, નિલેશભાઈ જોશી, કમલેશભાઈ રાનેરા, મનસુખભાઈ લાડવા અને રવિરાજસિંહ ગોહિલ જેવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

















Recent Comments