અમરેલી

ખારાપાટના જીરા ગામની વેદના: પૂર અને અનાવૃષ્ટિના ચક્રવ્યૂહમાં ફસાયેલો ખેડૂત, મુખ્યમંત્રી પાસે ‘સુક્ષ્મ સિંચાઈ’ની આશા

વરસાદ ખેંચાય તો 

તરસ મારી નાખે છે, 

ને પૂર આવે તો આખું 

વરસ મારી નાખે છે;

ખેડૂત છું સાહેબ! 

મને નસીબ નહીં,                                            પણ આ વ્યવસ્થાની 

આ કસક મારી નાખે છે.

–“પાંધી સર”

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઐતિહાસિક જીરા ગામ આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. એક સમયે ભાવનગર રજવાડાનું સમૃદ્ધ ગણાતું આ ગામ આજે કુદરતી આફતો અને સિંચાઈના અભાવે પાયમાલ થઈ રહ્યું છે. પૂર અને અનિયમિત વરસાદને કારણે થતા સ્થળાંતરને અટકાવવા ગામના અગ્રણી કલ્પેશભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિસ્તૃત દરખાસ્ત મોકલી ‘સુક્ષ્મ સિંચાઈ યોજના’ (Drip/Sprinkler) અમલમાં મૂકવા માંગણી કરવામાં આવી છે.

​પૂર અને અનાવૃષ્ટિનો બેવડો માર

જીરા ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ચોમાસામાં શેલ અને શેત્રુંજી નદીના પૂર ખેતરોની ફળદ્રુપ માટી ધોવાઈ જાય છે, જ્યારે બાકીના સમયમાં સિંચાઈના અભાવે ખેડૂતો માત્ર ખરીફ પાક પર નિર્ભર રહેવું પડે છે. ગામની વસ્તીમાં થયેલો ૫૦% નો ઘટાડો એ બાબતની સાક્ષી પૂરે છે કે રોજગારીના અભાવે યુવાધન શહેરો તરફ પલાયન કરી રહ્યું છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, જીરા ગામની ઉપરવાસમાં આવેલો શેલ દેદુમલ ડેમ આ સમસ્યાનો કાયમી ઉકેલ બની શકે તેમ છે. ડેમથી ગામ સુધી કુદરતી ઢોળાવ હોવાથી કોઈપણ પ્રકારના વીજળી કે લિફ્ટિંગ ખર્ચ વગર માત્ર ગુરુત્વાકર્ષણ (Gravity) થી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડી શકાય તેમ છે. અંદાજે ₹૧૨.૨૫ કરોડના ખર્ચે જો ૨૦૦૦ હેક્ટર જમીનમાં સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ લાગુ કરવામાં આવે, તો ખેડૂતો શિયાળુ પાક પણ લઈ શકશે અને તેમની આવકમાં ૨૦% થી ૫૦% નો વધારો થઈ શકશે.

​શેલ દેદુમલ ડેમમાંથી ૧૦૦% સરકારી સહાય સાથે સ્પેશિયલ પાઈપલાઈન પ્રોજેક્ટ મંજૂર કરવો.

​ખારાપાટ વિસ્તાર હોવાથી ડ્રીપ અને સ્પ્રિંકલર પદ્ધતિ માટે વિશેષ પ્રોત્સાહન આપવું.

​સ્થળાંતર અટકાવવા ખેતીને આધુનિક અને નફાકારક બનાવવી.

​જો સરકાર આ દરખાસ્ત પર હકારાત્મક નિર્ણય લેશે, તો જીરા ગામ ફરી એકવાર હરિયાળું બનશે અને ‘ખેડૂત સમૃદ્ધ ગુજરાત’નું સપનું સાચા અર્થમાં સાકાર થશે. હવે જોવાનું એ રહે છે કે ગાંધીનગરથી આ સંવેદનશીલ પ્રશ્નનો કેટલો ઝડપી ઉકેલ આવે છે.

Related Posts