લોભમાં આવીને આખું વર્ષ
ના વેડફશો તમે,
પાકા બિલ વગર કદી પગલું
ના ભરશો તમે.
નકલી ચમક પાછળ છુપાયેલું છે જોખમ ભારે,
જાગૃત બનીને છેતરાતા હવે અટકશો તમે.
–“પાંધી સર”
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા હાલમાં ખેડૂતોને છેતરપિંડીથી બચાવવા માટે એક વિશેષ જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, કન્વીનર ડો. રવિભાઈ મહેતા અને સંયોજક શ્રી બિપીનભાઈ પાંધીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, આકાશમાં વાદળા બંધાતાની સાથે જ લેભાગુ વેપારીઓ નકલી બિયારણ પધરાવી ખેડૂતોનું આખું વર્ષ બગાડવા સક્રિય થાય છે.
ગ્રાહક સુરક્ષા મંડળે ખેડૂતોને સાવચેત કરતા જણાવ્યું છે કે, જે થેલી પર ઉત્પાદકનું નામ કે સરનામું ન હોય અથવા “For Field Trials Only” લખેલું હોય, તે નકલી હોઈ શકે છે. ખાસ કરીને મગફળી અને કપાસના બિયારણમાં “ઉગે ત્યારે પૈસા” જેવી લલચામણી વાતોમાં આવીને પાકા બિલ વગર ખરીદી ન કરવા તાકીદ કરવામાં આવી છે.
હંમેશા વિશ્વાસુ પરવાનેદાર પાસેથી જ પાકા બિલ સાથે સીલબંધ પેકિંગ ખરીદવું.
બિયારણની થેલી પર બીજ નિગમનું લેબલ તપાસવું.
જંતુનાશક દવાઓની એક્સપાયરી ડેટ ખાસ જોવી.
વાવણી બાદ બિયારણની થેલીનું સીલ અને ટેગ પાકની કાપણી સુધી સાચવી રાખવા.
જો કોઈ પણ વિસ્તારમાં આવું નકલી બિયારણ વેચાતું જણાય, તો તાત્કાલિક તાલુકા ખેતીવાડી અધિકારી અથવા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.














Recent Comments