અમરેલી

પ્રાકૃતિક કૃષિની કમાલ! અમરેલી જિલ્લામાં એક વર્ષમાં ખેડૂતોએ રૂ. ૬૭,૦૧,૧૭૬ રૂપિયાની કમાણી કરી

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો મુક્ત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને રાજ્યમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ પ્રત્યે લોકોની વધતી જતી રૂચી અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફના પ્રવાહને પગલે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા અનાજ, શાકભાજી, અને ફળ-ફળાદીની ભારે માંગ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં  રૂ. ૬૭,૦૧,૧૭૬ રૂપિયાની કમાણી કરી છે.

પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને તાલીમ માટે આત્મા પ્રોજેક્ટ અમલી છે. રાજ્યસરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉપ્તાદિત ઉત્પાદનો માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ‘અમૃત બજાર’ યોજવામાં આવે છે. આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ જણાવ્યું કે, એક વર્ષ દરમિયાન જિલ્લા તેમજ તાલુકા મથકે યોજાયેલા અમૃત બજાર ઉપરાંત ખેડૂતોએ પોતાના ઘરેથી જાતે ૧,૧૪,૩૬૭ કિલોગ્રામ વેચાણ કર્યું છે. જેમાં ૫૬,૭૨૯ કિલોમગ્રામ અનાજ, ૨૬,૬૮૩ કિલો શાકભાજી, ૩૦,૩૮૦ કિલો ફળ ફળાદીનું ઉત્પાદન થાય છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના અભિયાન અંતર્ગત બહોળી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિકાર તરીકે ખેતી કરી રહ્યા છે. જેમણે ૧૮,૯૭૮ એકરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તાર્યો છે. જિલ્લામાં કુલ ઉત્પાદન ૧૧૪.૩૬૭ ટનનું વાર્ષિક નોંધાયું છે. જિલ્લામાં ખેડૂતોને ગામડે ગામડે જઈ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. મોડેલ ફાર્મ પર જીવામૃત, ઘનજીવામૃત અને બીજસંસ્કારો સહિતની જરૂરી તાલીમ આપવામાં આવે છે.

આત્મા પ્રોજેક્ટના માધ્યમથી અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે જેમાં ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની તેમના ખેતરોમાં જઈને મુલાકાત લીધી છે.

અમરેલી જિલ્લો કૃષિપ્રધાન જિલ્લો છે ત્યારે ખર્ચ વગરની અને માનવ સમુદાયના સ્વાસ્થ્ય માટે લાભદાયી પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતો વળતા આગામી સમયમાં તેના સંક્લિત લાભો મળવાના છે. રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિ તરફના લક્ષ્યાંકને વેગ આપતા મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે જેમાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે.

Related Posts