અમરેલી

વર્ષો જૂની સમસ્યાનો અંત: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી સાવરકુંડલા તાલુકાના પિપરડી ગામે પૂર નિયંત્રણ અને પાણી નિકાલ માટે રૂા. ૧.૧૪ કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી

સાવરકુંડલા તાલુકાના પિપરડી ગામમાં ચોમાસા દરમ્યાન વરસતા ભારે વરસાદને કારણે ગામ તથા આસપાસના ખેતી વિસ્તારમાં વરસોથી
ઉભી થતી પૂર અને પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી રાજ્ય સરકાર
દ્વારા ૪૦ વર્ષો જૂની મહત્વપૂર્ણ સમસ્યાના વિકાસકાર્યની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ડીપનીંગ ઓફ હિપાવડલી, લીંડકીયા, ખારી અને સુખવો રીવર તથા રીસ્ટોરેશન ઓફ પ્રોટેક્શન બંડ એટ વિલેજ પિપરડી, તાલુકો
સાવરકુંડલા” નામની કામગીરી માટે અંદાજિત રૂા. ૧ કરોડ ૧૪ લાખના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશીની લાગણી
જોવા મળી રહી છે.
પિપરડી ગામની આસપાસ આવેલી હિપાવડલી, લીંડકીયા, ખારી અને સુખવો નદીઓમાં વર્ષોથી ગાદ ભરાઈ જવાના કારણે વરસાદી
પાણીનો પ્રવાહ અવરોધાય છે. જેના પરિણામે ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાઈ જવું, ખેતીની જમીનોમાં નુકસાન થવું તથા
રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બનવી જેવી પરિસ્થિતિ સર્જાતી હતી.
હવે મંજૂર થયેલી કામગીરી અંતર્ગત નદીઓનું ડીપનીંગ અને સફાઈ કાર્ય હાથ ધરાશે, જેથી વરસાદી પાણીનો વહેણ સરળતાથી પસાર થઈ
શકે. સાથે જ ગામ અને ખેતી વિસ્તારને પૂરથી સુરક્ષિત રાખવા માટે પ્રોટેક્શન બંડનું રીસ્ટોરેશન અને મજબૂતીકરણ કરવામાં આવશે.
આ કામગીરી પૂર્ણ થયા બાદ પિપરડી ગામમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેમજ ખેડૂતોને ખેતીમાં
થતા નુકસાનમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે અને
ગામના વિકાસને નવી દિશા મળશે.
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પૂર નિયંત્રણ, પાણી વ્યવસ્થાપન અને ગ્રામ વિકાસને પ્રાથમિકતા આપી સતત વિકાસકાર્યો હાથ ધરવામાં
આવી રહ્યા છે, સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામને ૧.૧૪ કરોડ ની મંજુર કરવા બદલ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા એ ગુજરાત
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જળસંપતી મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલનો ખુબ ખુબ આભાર માન્યો હતો

Related Posts