નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથી
ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી સંચાલિત કરવામાં
આવશે. આ ઉપરાંત નવનિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ નવીન વ્યવસ્થા હેઠળ, અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે ૫:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી દર કલાકે સંચાલિત થતી
કુલ ૨૪ ટ્રીપો, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે. આ નિર્ણયના
કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે રૂ. ૩૩૬ થશે, જેમાં મુસાફરોને અંદાજે રૂ. ૧૫ જેટલો ભાડા ઘટાડાનો લાભ મળશે.
આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા નવનિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
છે. જેના ભાગરૂપે સવારે ૬:૪૫ કલાકે નહેરુનગર (અમદાવાદ) થી સુરત અને બપોરે ૧:૦૦ કલાકે સુરતથી નહેરુનગર (અમદાવાદ) વચ્ચે ‘નોનસ્ટોપ
વોલ્વો સર્વિસ’ શરૂ કરવામાં આવી છે. આ નવિન રૂટના કારણે નહેરુનગરથી સુરતનું ભાડું રૂ. ૬૮૭ નિયત કરાયું છે, જેનાથી મુસાફરોને અંદાજે રૂ. ૬૧
જેટલો ફાયદો મળશે.
આ તમામ રૂટોનું ઓનલાઇન એડવાન્સ બુકિંગ નિગમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in તેમજ GSRTC મોબાઇલ એપ્લિકેશન (gsrtcapp)
ઉપરથી કરી શકાશે. એસ.ટી. નિગમ દ્વારા તમામ મુસાફર જનતાને આ આધુનિક અને સુવિધાજનક પ્રીમીયમ સર્વિસોનો મહત્તમ લાભ લેવા વિનંતી
કરવામાં આવી છે.












Recent Comments