અમરેલી

સાવરકુંડલાના હાથસણી રોડ પર વોકિંગ ટ્રેક અને બાંકડાની સુવિધા આપવા નગરપાલિકા સદસ્ય જયશ્રીબેન ભરાડની રજૂઆત

​પથ પર એ વડીલોને સથવારો                         મળી જાય,

બે ઘડી પોરો ખાવા જો બાંકડો                        મળી જાય.

​મુશ્કેલી નિવારીને જો અહીં 

ટ્રેક બને સુંદર,

તો ચાલનારા આ ચરણોને 

નવો માર્ગ મળી જાય.

–“પાંધી સર”

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ના સદસ્ય શ્રીમતી જયશ્રીબેન બી. ભરાડ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સંદર્ભે એક મહત્વનો પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.  

​પત્રમાં જણાવ્યા અનુસાર, સાવરકુંડલાનો મુખ્ય અને ગૌરવવંતો માર્ગ ગણાતા હાથસણી રોડ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ (વૃદ્ધો), બહેનો-દીકરીઓ અને પરિવારો વહેલી સવારે તથા મોડી સાંજે વોકિંગ માટે નીકળે છે. આ માર્ગ ખૂબ પહોળો છે અને તેની બંને બાજુએ પૂરતી જગ્યા (માર્જિન) પણ ઉપલબ્ધ છે. પરંતુ પ્રોપર વોકિંગ ટ્રેક ન હોવાને કારણે નાગરિકોને મુખ્ય રોડ પર ચાલવું પડે છે, જેના લીધે સતત અકસ્માતનો ભય રહે છે. સાથોસાથ, ચાલવા નીકળતા વડીલો માટે આ સમગ્ર માર્ગ પર ક્યાંય આરામ કરવા માટે બાંકડા (બેન્ચીસ) ની વ્યવસ્થા નથી.  

​લોકોની આ તકલીફને વાચા આપતા લોક પ્રતિનિધિ જયશ્રીબેન ભરાડે માંગણી કરી છે કે, સરકારી વસાહતથી લઈને આંખની હોસ્પિટલ સુધીના આ માર્ગ પર નગરપાલિકાની ટેકનિકલ ટીમ દ્વારા સત્વરે સ્થળ-નિરીક્ષણ (સર્વે) કરાવવામાં આવે. તેમજ આગામી આયોજનમાં અગ્રતા આપીને અહીં સુવ્યવસ્થિત ‘વૉકિંગ ટ્રેક’ અને ‘બાંકડા’ ની સુવિધા ઊભી કરવામાં આવે, જેથી વડીલોને ભયમુક્ત અને સુંદર વાતાવરણ મળી રહે.  

​આ સંવેદનશીલ પ્રશ્નને સકારાત્મક રીતે સ્વીકારીને નગરપાલિકા ત્વરિત વહીવટી મંજૂરી આપે અને આ બાબતે થયેલી પ્રક્રિયાની લેખિત જાણ કરે તેવી અપેક્ષા પણ પત્રના અંતે વ્યક્ત કરવામાં આવી છે.

Related Posts