અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ હતી.
અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ કેન્દ્ર સરકાર સંચાલિત જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને વિકાસ કાર્યો અન્વયે થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સાંસદશ્રીએ, જિલ્લામાં સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે નાગરિકો માટે થયેલા વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવી હજી વધુ સારા કાર્યો કરવા ઉપરાંત છેવાડાના લાભાર્થી સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારની યોજનાઓ અને પ્રકલ્પો વધુ પ્રભાવી રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ સાંસદશ્રીએ પૂરું પાડ્યું હતું.
સાંસદશ્રીએ, નાગરિકોને નાના ઉદ્યોગ માટે સરળતાથી લોન મળી રહે માટે જરૂરી સૂચનાઓ અને નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત બી.એસ.એન.એલ નેટવર્ક, રેલવે, વીજળી, રોડ-રસ્તા રિસર્ફેસિંગ સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ કચેરીઓના વડાશ્રીઓ સાથે પરામર્શ કર્યો હતો. જિલ્લામાં ભૌતિક સુવિધાઓ થકી જનસુખાકારીમાં વધારો થાય તે માટે સાંસદશ્રીએ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં મનરેગા, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, રાષ્ટ્રીય કૃષિ તથા પરંપરાગત કૃષિ વિકાસ યોજના, આત્મા, સ્વામિત્વ યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલોપમેન્ટ, ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સેફ્ટી એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નેશનલ હેલ્થ મિશન નેશનલ ટ્યુબર કલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુગમ્ય ભારત અભિયાન, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, ખેલો ઇન્ડિયા 2.0 સહિતની પ્રજાલક્ષી યોજનાઓ અને અભિયાનોના લક્ષ્યાંક સામે સિદ્ધિઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કામગીરી સારી રીતે આગળ ધપી રહી છે.
સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.જે.જાડેજાએ પણ પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીએ કર્યું હતું.
આ બેઠકમાં અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સંબંધિત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત અને નગરપાલિકા સભ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments