નથી જોઈતી સત્તા કે મીઠી વાતોના અહીં ઠાઠ,
ખરા સેવક એ જ જે કરે
જનતા કાજે ત્યાગ.
જનતાના શ્વાસ જ્યાં આફતોની ઓથમાં અટક્યા,
નેતા સમજે હવે લોકસેવાનો અસલી મર્મ ને માર્ગ જ ત્યાગ
–“પાંધી સર”
સ્થાનિક સ્તરે અને સમગ્ર પંથકના પ્રબુદ્ધ નાગરિકોમાં હવે દબાતા સ્વરે પણ એક ચોક્કસ અને મક્કમ સૂર સંભળાઈ રહ્યો છે કે જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોને મળતા પેન્શન અને ભથ્થાં હાલ પૂરતાં બંધ થવા જોઈએ. સાંપ્રત સમયમાં વૈશ્વિક અશાંતિ અને ઈરાન-અમેરિકા યુધ્ધના માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્ર પણ દબાણ હેઠળ છે. પેટ્રોલ-ડીઝલ, રાસાયણિક ખાતર અને ગેસના વધતાં ભાવો તેમજ મોંઘવારીને કારણે સામાન્ય પ્રજા, ખેડૂતો, ખેતમજૂરો અને નાના વેપારીઓના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં દેશને આર્થિક રીતે બેઠો કરવા માટે અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે જનપ્રતિનિધિઓએ પોતે આગળ આવીને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ તેવી લોકલાગણી સાવરકુંડલા શહેરમાં બળવત્તર બની રહી છે.
નગરના બુદ્ધિજીવીઓ અને જાગૃત નાગરિકોનું સ્પષ્ટ માનવું છે કે રાજકારણમાં આવવાનો મુખ્ય હેતુ જનતાની સેવા કરવાનો અને મુશ્કેલીના સમયે લોકોની વહારે આવવાનો છે. માત્ર સાયકલ ચલાવવી કે કાર પૂલિંગ કરવું પૂરતું નથી. જ્યારે દેશનો આર્થિક વિકાસ મંદ પડ્યો હોય અને બેરોજગારી-મોંઘવારી વકરી રહી હોય, ત્યારે આગામી પાંચ વર્ષ માટે સાંસદો અને ધારાસભ્યોના પગાર-ભથ્થામાં ૬૦ ટકા જેટલો મોટો કાપ મૂકવો અનિવાર્ય બન્યો છે. આ સાથે જ સરકારી વહીવટી ખર્ચાઓ પર પણ કડક અને કરકસરયુક્ત અંકુશ રાખવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.
લાલબહાદુર શાસ્ત્રીના શાસનકાળની યાદ
ભૂતકાળનો દાખલો આપતા સાવરકુંડલાના સ્થાનિકો જણાવી રહ્યા છે કે, જ્યારે દેશમાં અન્નની કટોકટી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ દેશવાસીઓને એક ટંક ઉપવાસ કરવાની હાકલ કરી હતી, જેને જનતાએ હોંશેહોંશે ઝીલી લીધી હતી. તેના પરિણામે જ દેશ હરિતક્રાંતિ તરફ આગળ વધ્યો અને અન્ન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો. આજે ફરી એ જ સ્તરના મક્કમ અને આકરા નિર્ણયો નેતાઓએ પોતાનાથી શરૂ કરીને લેવાનો સમય પાકી ગયો છે.
’ભોગ કરતાં ત્યાગ’ શ્રેષ્ઠ
શાસ્ત્રોક્ત ઉક્તિ મુજબ ‘ભોગ કરતાં ત્યાગમાં જ સાચું સુખ છે’. વર્તમાનમાં જે પૂર્વ ધારાસભ્યો કે સાંસદોને વૈધાનિક રીતે પેન્શન મળી રહ્યા છે, તેમણે દેશના આર્થિક હિતમાં તેનો સ્વૈચ્છિક ત્યાગ કરવો જોઈએ. લોકશાહીમાં આ પ્રશ્ન કાયદા કરતાં વધુ સંવેદનાનો છે. જો આગામી પાંચ વર્ષ સુધી તમામ બિનજરૂરી ખર્ચાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે, તો જ દેશ આર્થિક રીતે મજબૂત થઈ શકશે. કેવળ મીઠી વાતોથી મન ભરાઈ શકે, પણ ભૂખ્યા પેટની આંતરડી ઠરતી નથી તે વાસ્તવિકતા સ્વીકારીને નેતાઓએ પોતે જ આ દિશામાં પહેલ કરવી જોઈએ તેવો સુર સાવરકુંડલાના પ્રબુદ્ધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.












Recent Comments