અમરેલી

એક ચૂસકીમાં બ્રહ્માંડ દર્શન: સાવરકુંડલાની ‘નાઝ હોટલની ચા’ પેઢી દર પેઢી જાળવી રહી છે સ્વાદની ખુમારી

​બાકી ન રહે કંઈ કહેવાનું 

આ તો છે ક્ષેષ્ઠતાની વાતું,

પીતાં ઘૂંટ આ ચા કેરો લાગે 

અમને બ્રહ્માંડ દેખાતું,

લોકો પણ કહે છે ખૂબ નાઝથી 

આ તો ચા પણ છે ખુમારી અને                     દિલદારીની દિલ નથી કરમાતું,

આમ તો ઉગે સૂરજભાણ 

પણ ઉંચેરાં આભમાં,

ઘૂંટડે ઘૂંટડે આ ચા ના પ્રભાત 

આમ જ હવે રૂડું થાતું…!!

— “પાંધી સર”

ભારતીય પરંપરામાં ‘સવાણ’ (હવાણ) સંસ્કૃતિ એટલે કે મહેમાન આવે ત્યારે ચૂલા પર ચાની તપેલી ચડે અને અલ્ક-મલ્કની વાતોના દોર શરૂ થાય. અંગ્રેજી કલ્ચરમાં ભલે કોફી શોપનું સ્ટેટસ હોય, પણ ભારતમાં તો ચા એ માત્ર પીણું નથી, આપણું ‘રાષ્ટ્રીય પીણું’ અને જીવાતો શ્વાસ છે. ચાની એક કીટલી કે લારી પર એક ચાના ચાર ભાગ કરીને ગપશપ કરતા મિત્રો પોતાના જીવનના દુખો ભૂલી જાય છે. આવા જ એક સ્વાદ, સ્નેહ અને સંસ્કૃતિના સંગમ સમાન સાવરકુંડલામાં નાવલી કાંઠે આવેલી પ્રખ્યાત “નાઝ હોટલ” ની ચા આજે પણ લોકોના દિલ પર રાજ કરી રહી છે.

​રાજકીય મહાનુભાવોથી લઈને સામાન્ય જનતાની પહેલી પસંદ

​નાઝ હોટલની ચાનો ટેસ્ટ એવો છે કે જે એકવાર પીવે એ સ્વાદ જીવનભર દાઢમાં રહી જાય. સાવરકુંડલામાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેના હોઠ પર ‘નાઝ હોટલ’ નું નામ ન હોય. સવારના ૫ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી અવિરત ચાલતી આ હોટલ પર વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટના પ્રમુખ હીતેષ સરૈયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, અમરીશભાઈ ડેર અને પ્રતાપ દુધાત સમેત અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો ચાની ચુસકીનો આનંદ માણી ચૂક્યા છે. અહીં ચાની ચૂસકી સાથે ઘણીવાર શહેર અને વિધાનસભા ક્ષેત્રના વિકાસના રોડમેપ પણ મનમાં તૈયાર થતા જોવા મળે છે!

​ત્રીજી પેઢી પણ જાળવી રહી છે સ્વાદ અને ઉદારતાની પરંપરા

​યુનુસભાઈ નાઝવાળા એ સાવરકુંડલામાં ચાની દુનિયાનું જૂનું અને જાણીતું નામ છે. આજે આ બિઝનેસમાં ત્રીજી પેઢી આવી ગઈ છે અને હાલ રમીઝભાઈ ચા બનાવતા જોવા મળે છે, પરંતુ ચાનો ટેસ્ટ આજે પણ એ જ એકધારો અને અકબંધ છે. રમીઝભાઈનું દિલ પણ દરિયા જેવું છે. કોઈ ગરીબ કે દીનહીન વ્યક્તિ પાસે પૈસા ન હોય તો પણ તેને પ્રેમથી ચા પાય છે.

​બિઝનેસ દ્રષ્ટિકોણ: ઓછું રોકાણ, વધુ નફો અને ગ્રાહક વ્યવસ્થાપનની કુનેહ

​આજના હાઈટેક યુગમાં આ બિઝનેસ એક ઉત્તમ કેસ સ્ટડી છે. ચાના વ્યવસાયમાં રોકાણ ઓછું અને નફો વધુ હોય છે. જો ફ્રિજની વ્યવસ્થા હોય તો દૂધ બગડવાની શક્યતા પણ નહિવત રહે છે અને આ એક રોકડિયો ધંધો છે. જો કે, આ બિઝનેસમાં ભિન્ન-ભિન્ન વિચારો અને મિજાજ ધરાવતા લોકો આવતા હોવાથી, તેમની સાથે હિંમત અને કુનેહથી વ્યવહાર કરવો પડે છે. અહીં લોકોને તેમની પસંદગી મુજબ કડક-મીઠી, મોળી કે મીડિયમ ચા મળે છે. અડધી ચા (કટિંગ) ના ₹૭ અને આખી ચાના ₹૧૫ ના ભાવે ગ્રાહકો સ્વાદ માણે છે.તો કોઈ ચાવાળા અડધીના ૧૦ અને આખીના ૨૦ પણ લે છે. 

​સાવરકુંડલા અને આસપાસની અન્ય લોકપ્રિય ‘ટી-સ્પોર્ટ્સ’

​સાવરકુંડલામાં ચાની સંસ્કૃતિ દરેક ખૂણે ધબકે છે:

​કિસ્મત ટી સ્ટોલ (મહુવા રોડ): ફારૂકભાઈ ચાવાળાની આ દુકાને અમરીશભાઈ સાદિયા જેવા અનેક લોકો સવાર-સવારમાં ચા પીને પોતાના દિવસની શરૂઆત કરે છે.

​ગ્રાહક સુરક્ષા મંડળ: પ્રમુખ રમેશભાઈ હીરાણી પણ મિત્રો સાથે ચાની ચુસકી લેતા દેખાય છે, તો ડૉ. રવિભાઈ મહેતા પણ ચાની લહેજત માણતા જોવા મળે છે.

​બાલાભાઈ રબારીની ચા: નેસડી રોડ, ચલાલા હાથસણી રોડ ચાર રસ્તા પાસેની આ ચા પણ અતિ લોકપ્રિય છે.

​દ્વારકાધીશ ટી સ્ટોલ: જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ આ સ્ટોલનો ટેસ્ટ પણ અનોખો છે.

​ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ઓફિસ: અહીં ખુદ ચાની એક કેન્ટીન છે, જ્યાં આવતો કોઈપણ અપરિચિત અતિથિ ચા પીધા વગર જતો નથી.

ઠાકર ધણીની મહુવા રોડ પર આવેલી ચાનો પણ અનોખો સ્વાદ છે. 

​વેપારી અગ્રણી રાજુભાઈ શીંગાળા: અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાની ઓફિસે જઈએ એટલે સમ ખવરાવીને પણ ચા પીવડાવે છે.

​પત્રકાર મિત્રોની મહેફિલ: નદી કિનારે પત્રકાર ઇકબાલ ગોરી, જીગ્નેશ ગળથીયા, દિલીપ જીરૂકા, દીપક પાંધી, યશપાલ વ્યાસ, યોગેશ ઉનડકટ અને કેતન બગડા જેવા મિત્રો જ્યારે પણ ભેગા થાય ત્યારે ચાની ચુસકી અચૂક લાગે છે.

​જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, કોર્ટ-કચેરી કે શાકમાર્કેટ, ચા એ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઈ છે. અંગ્રેજોએ ભલે આની શરૂઆત કરી, પણ ભારતીયોએ તેને પોતાની પરંપરામાં વણી લીધી છે. સાવરકુંડલામાંથી પસાર થતા દરેક મુસાફરે “નાઝ હોટલ” ની એક ચૂસકી અચૂક મારવા જેવી છે!

Related Posts