શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં એક પ્રશંસનીય ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. દર મહિનાના પ્રથમ શુક્રવારે યોજાતી પરંપરાના ભાગરૂપે, આજરોજ તારીખ ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૮મા વિનામૂલ્યે નેત્ર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહા નેત્રયજ્ઞનો પ્રારંભ સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, વીરનગર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરશ્રીઓ તેમજ ગુરુકુલ હોસ્પિટલના ડોક્ટર શ્રી નિલેશભાઈ ત્રિવેદીના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેમ્પનું સંચાલન અને વ્યવસ્થા સંસ્થાના કોઠારી સ્વામી અક્ષર મુક્ત દાસજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી.
આ કેમ્પમાં વીરનગર આંખની હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા કુલ ૮૭ જેટલા મોતિયાના દર્દીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે ૦૭ દર્દીઓને મોતિયાના ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતી હતી, તેમને સંસ્થા દ્વારા સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન માટે વીરનગરની પ્રખ્યાત આંખની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ સિવાયના અન્ય જરૂરી દર્દીઓને સંસ્થા તરફથી વિનામૂલ્યે ચશ્મા તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ૩૪૮મા નેત્રકેમ્પના મુખ્ય યજમાન પદે મુંબઈ નિવાસી સ્વ. શાંતાબેન જીવણલાલ લાખાણીના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી ચંદ્રકાંતભાઈ જીવણલાલ લાખાણી રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરુકુલ સંસ્થાના તમામ કર્મચારીઓએ ભારે જેહમત ઉઠાવી હતી.
કેમ્પમાં પધારેલા તમામ ‘દર્દી નારાયણ’ અને તેમના સગા-સંબંધીઓ માટે સંસ્થા દ્વારા ગરમાગરમ ચા તેમજ જલેબી-ફાફડાના સ્વાદિષ્ટ નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેણે સેવામાં સુગંધ ભેળવી હતી.


















Recent Comments