અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) રાજુલાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળામાં વિવિધ અગ્રણી ઉદ્યોગો અને કંપનીઓએ ભાગ લઈ યુવાનોને રોજગારની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવી હતી.
ભરતી મેળામાં Quess Corp (ટાટા મોટર્સ), સાણંદ, સ્વાન ડીફેન્ડ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પીપાવાવ, CIE Automotive પ્રા.લિ., શાપર-વેરાવળ, AIM Ltd., ભાવનગર તેમજ LIC, રાજુલા સહિત કુલ ૬ પ્રતિષ્ઠિત કંપનીઓ જોડાઈ હતી. મેળામાં કુલ ૨૪૩ ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી ૧૮૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
ખાસ કરીને આઈ.ટી.આઈ. રાજુલામાં અભ્યાસ કરી રહેલા અને જુલાઈ-૨૦૨૬માં પાસઆઉટ થનારા ૪૮ તાલીમાર્થીઓને વિવિધ કંપનીઓમાં રૂ. ૧૫,૦૦૦થી રૂ. ૨૨,૦૦૦ સુધીના માસિક પગાર સાથે રોજગારની તક પ્રાપ્ત થઈ છે, જે સંસ્થાની તાલીમની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની કૌશલ્ય ક્ષમતાનું પ્રતિબિંબ છે.
વર્તમાન સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓએ રોજગારલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી કૌશલ્ય વિકાસ સાથે ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવું જોઈએ. આ પ્રકારના ભરતી મેળાઓ યુવાનોને ઉદ્યોગજગત સાથે સીધા જોડવાની મહત્વપૂર્ણ કડી બની રહ્યા છે. તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજુલાએ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments