ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે. એપ્રેન્ટિસ અધિનિયમ ૧૯૬૧ અનુસાર, રાજ્યના દર વર્ષે એક લાખ યુવાનોને ઓન જોબ કૌશલ્ય તાલીમ પૂરી પાડવા માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના’ એપ્રિલ ૨૦૧૮થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો તેમજ ઉદ્યોગોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે.
આ અંતર્ગત અમરેલી જિલ્લામાં હાલમાં ૨૧૭ જેટલા નાના-મોટા ખાનગી ઔદ્યોગિક એકમો તેમજ રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના એકમો કાર્યરત છે, જ્યાં અંદાજિત ૧ હજાર જેટલા યુવાઓ આ એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ જોડાયેલા છે. આ તાલીમાર્થીઓને માસિક રૂ. ૮૦૦૦થી રૂ. ૧૫૦૦૦ જેવી માતબર શિષ્યવૃત્તિ (સ્ટાઇપેન્ડ) સાથે ઓન જોબ કૌશલ્ય તાલીમ આપવામાં આવી રહી છે. વિશેષ બાબત એ છે કે, આ યોજનામાં અંદાજિત ૩૦૦ જેટલી મહિલાઓ પણ સક્રિયપણે સહભાગી થયેલ છે. આ યોજના હેઠળ ધો. ૫ થી લઈને સ્નાતક (ગ્રેજ્યુએટ) સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ કોઈપણ ઉમેદવાર જોડાઈ શકે છે. એક વર્ષની આ ઓન જોબ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ભારત સરકાર દ્વારા ઉમેદવારોને ‘નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ’ એનાયત કરવામાં આવે છે, જે ભવિષ્યમાં રોજગારીની ઉત્તમ તકો સર્જન કરે છે તેમ આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments