શ્રમ નીતિ માત્ર વહીવટી સ્તર સુધી સીમિત ન રહેતાં, દરેક શ્રમિક પરિવાર અને તેના બાળક સુધી પહોંચવી જોઈએ. “સુરક્ષિત સ્થળાંતર અને બાળ મજૂરી નાબૂદી” એ સામાજિક, આર્થિક અને માનવીય કર્તવ્ય છે, જેને આપણે સૌએ સાથે મળીને નિભાવવાનું છે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પીપા, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય વર્કશૉપના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું.
તા. ૧૨ જૂન-વિશ્વ બાળમજૂરી વિરોધ દિનના અનુસંધાને બાળમજૂરી નિવારણ, બાળ અધિકારોના સંરક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રિત બે દિવસીય આંતર-રાજ્ય ચર્ચાનું આયોજન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં આજે સ્પીપા, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
ભારતની અવિરત વિકાસ યાત્રામાં પ્રવાસી શ્રમિકોના અભૂતપૂર્વ યોગદાનની સરાહના કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, દેશના ઉદ્યોગો, બાંધકામ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રનો વિકાસ પ્રવાસી શ્રમિકોની મહેનત પર આધારિત છે, જેઓ રાષ્ટ્ર નિર્માણના સાચા આધારસ્તંભ છે. ગુજરાત જેવા પ્રગતિશીલ અને ઔદ્યોગિક રાજ્યમાં પણ વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રમિકો રોજગારી માટે આવે છે અને રાજ્યની આર્થિક પ્રગતિમાં સહભાગી બને છે.
આ સ્થળાંતર સાથે અનેક પડકારો પણ જોડાયેલા છે. જ્યારે કોઈ શ્રમિક પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે તેમના બાળકોનું શિક્ષણ ખોરવાય છે, આરોગ્ય સેવાઓ પ્રભાવિત થાય છે અને ઘણીવાર તેઓ સામાજિક સુરક્ષા તેમજ બાળ સંરક્ષણથી વંચિત રહી જાય છે. આવી પરિસ્થિતિઓ બાળ મજૂરી, બાળ તસ્કરી અને શોષણ જેવી ગંભીર સમસ્યાઓને જન્મ આપે છે. આ ગંભીર સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર એ અનેક બહુઆયામી અને સક્રિય પ્રયાસો કરી રહી છે. જેમાં રાજ્યમાં બાળ અને કિશોર શ્રમ નાબૂદી માટે જિલ્લા સ્તરે કાર્યરત ટાસ્ક ફોર્સને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન વધારીને બાળકોના બચાવ, પુનર્વસન અને પુનઃસ્થાપનની પ્રક્રિયાને અત્યંત પ્રભાવી બનાવવામાં આવી છે. શ્રમિકોના ઓનલાઈન રજીસ્ટ્રેશન, વ્યાપક જાગૃતિ કાર્યક્રમો અને સામાજિક સુરક્ષા યોજનાઓના વિસ્તાર પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, બાળ મજૂરી નાબૂદી માત્ર કાયદાના અમલીકરણથી શક્ય બનશે નહીં. આ માટે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષિત વાતાવરણ, આરોગ્ય સુવિધાઓ અને વિકાસની સમાન તકો પ્રાપ્ત થાય. “આવો, આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે પ્રત્યેક શ્રમિક પ્રવાસી પરિવારને વધુ સન્માનજનક જીવન મળે અને દરેક બાળકને શિક્ષણ, સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્યનો અધિકાર પ્રાપ્ત થાય.” તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બાળ શ્રમ એ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પરંતુ બાળકોના અધિકારો, સપનાઓ અને તેમના ભવિષ્ય પર થતો સીધો પ્રહાર છે. દેશના દરેક બાળકને સુરક્ષિત બાળપણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંરક્ષણ અને ગરિમામય જીવન જીવવાનો સમાન અધિકાર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે આજના બાળકોનું શિક્ષિત અને સુરક્ષિત હોવું અનિવાર્ય છે. વડાપ્રધાનશ્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ’ ના મંત્રને આત્મસાત કરવો પડશે. દેશનું કોઈ પણ બાળક મજબૂરીમાં શ્રમ કરવા મજબૂર ન બને તે હેતુથી સરકાર, સામાજિક આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું પડશે.
બાળ શ્રમ અને માનવ તસ્કરીના જોખમોને રોકવા માટે તેમણે તમામ રાજ્યોને સંકલિત અને સામૂહિક અભિગમ અપનાવવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, જો આપણે સમયસર માહિતીનું આદાન-પ્રદાન, બાળકોની ટ્રેકિંગ વ્યવસ્થા અને પુનર્વસનની પ્રક્રિયા વધુ સુદ્રઢ કરી શકીએ. ગુજરાત સરકારે આ દિશામાં ‘રાજ્ય કાર્ય યોજના’ તૈયાર કરીને એક પ્રશંસનીય પગલું ભર્યું છે.
લેબર કમિશનર શ્રી કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, બાળમજૂરી માત્ર કાનૂની કે આર્થિક પ્રશ્ન નથી, પરંતુ તે શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સામાજિક સુરક્ષા સાથે સંકળાયેલો વ્યાપક સામાજિક મુદ્દો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી રોજગારની શોધમાં સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને શિક્ષણ, પોષણ અને સુરક્ષાની સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્ર–રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અને નીતિઓનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ માતા-પિતા પોતાના બાળકનું ભવિષ્ય અંધકારમય બને તેવું ઇચ્છતા નથી, તેથી બાળમજૂરી પાછળ રહેલા મૂળભૂત કારણોને સમજવું અને તેનું નિવારણ લાવવું અત્યંત જરૂરી છે.
શ્રી લાખાણીએ વધુમાં ઉમેર્યું કે, બે દિવસીય વર્કશોપ દરમિયાન સ્થળાંતર અને બાળમજૂરીના જોખમો, બાળમજૂરી નિવારણ માટેની કાનૂની અને વહીવટી વ્યવસ્થાઓ, બચાવ, પુનર્વસન અને પુનઃસમાવેશની પ્રક્રિયાઓ તેમજ સમુદાય આધારિત હસ્તક્ષેપો જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. વિવિધ રાજ્યોના અનુભવ, સફળ મોડેલ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન દ્વારા બાળમજૂરીમુક્ત સમાજના નિર્માણ માટે અસરકારક રોડમેપ તૈયાર કરવાનો આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય છે, તેમ તેમણે કહ્યું હતું.
આ પ્રસંગે MGLI ના ડિરેક્ટર જનરલ શ્રી પ્રવીણ સોલંકીએ જણાવ્યું હતું કે, બાળ મજૂરી એ કોઈ અલગ સમસ્યા નથી, પરંતુ તેને સામાજિક-આર્થિક પરિપ્રેક્ષ્યમાં જોવી જરૂરી છે. ખાસ કરીને જ્યારે આપણો દેશ ઝડપી વિકાસ સાથે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યો હોય, ત્યારે બાળ મજૂરી એ સમાજ માટે એક કલંક છે જેને નાબૂદ કરવા સરકાર અને સમાજે સાથે મળીને કામ કરવું પડશે. દેશભરમાં કાયદા અને નિયમો સમાન હોવા છતાં અલગ-અલગ રાજ્યોના પરિણામો જુદા હોય છે, જેથી આ વર્કશૉપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપ સૌએ ખુલ્લા મને પોતાના સારા-નરસા અનુભવોની આપ-લે કરવી જોઈએ.
આ કાર્યક્રમમાં યુનિસેફના CFO ડૉ. નારાયણ ગાંવકરે જણાવ્યું કે, ગુજરાત એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય હોવાથી અહીં અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં શ્રમિકો સ્થળાંતર કરે છે. આ સ્થિતિમાં આર્થિક પ્રગતિ બાળકના શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના ભોગે ન થવી જોઈએ તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્થળાંતર ભલે રોજગારીની તકો આપતું હોય, પરંતુ બાળકો જ્યાં પણ જાય ત્યાં તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જરૂરી છે.
તેમણે કહ્યું કે, યુનિસેફ તમામ સ્તરે સરકાર અને સંસ્થાઓ સાથે મળીને વર્ષોથી બાળ મજૂરીને અટકાવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યુનિસેફ દ્વારા ત્રણ મહત્વની બાબતો અમલી બનાવાઈ છે. જેમાં પરિવારો વધુ મજબૂત બને અને બાળકોએ સ્થળાંતર ન કરવું પડે તે માટે બાળ મજૂરીના પ્રિવેન્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ઉપરાંત કિશોરોને યોગ્ય શિક્ષણ, કૌશલ્ય અને સુરક્ષિત રોજગારી તરફ દોરવા તથા શિક્ષણને સૌથી મોટું સુરક્ષા કવચ ગણીને બાળકોને સતત શિક્ષણ મળવું જોઈએ.
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, મહાત્મા ગાંધી લેબર સંસ્થાન (MGLI) અને યુનિસેફ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ચર્ચાસત્ર દરમિયાન વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ, બાળ અધિકાર ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, વિષય નિષ્ણાતો, બાળમજૂરી નાબૂદી માટેના શ્રેષ્ઠ પ્રયાસો, સફળ મોડેલ અને ભાવિ કાર્યયોજનાઓ અંગે વિચાર-વિમર્શ કરશે. આ ચર્ચા દ્વારા વિવિધ રાજ્યો વચ્ચે જ્ઞાન અને અનુભવની આપ-લે થકી બાળમજૂરી મુક્ત સમાજ-દેશના નિર્માણ માટે અસરકારક માર્ગદર્શન પ્રાપ્ત થશે.
આ પ્રસંગે ગુજરાત સહિત રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના શ્રમ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments