કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર – ગ્રામદક્ષિણામૂર્તિ – મણાર અલંગ નજીકના
ગુજરાતના દરિયાકાંઠાના અર્થતંત્ર અને બ્લુ ઇકોનોમી (દરિયાઈ અર્થવ્યવસ્થા) ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પ્રકરણ ઉમેરતા, ભાવનગર જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (CSR) સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર ખાતે ગુજરાત રાજ્યની સર્વપ્રથમ ‘દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળા’ (Seaweed Seed Lab) નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુકરભાઈ પારેખના વરદહસ્તે, CSIR-CSMCRI ના ડિરેક્ટર ડૉ. અરૂપ ઘોષ અને ચીફ સાયન્ટિસ્ટ ડૉ. વૈભવ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ અત્યાધુનિક લેબોરેટરી અને ભારતની પ્રથમ જમીન આધારિત ટાંકી ખેતી પ્રણાલી (Land-based Tank Cultivation System) ખુલ્લી મૂકવામાં આવી હતી.
રાષ્ટ્રીય સ્તરના મોટા પડકારનો કાયમી ઉકેલ: અત્યાર સુધી ગુજરાતમાં દરિયાઈ શેવાળ (Seaweed) ની ખેતી કરવા માટે બીજ (Planting Material) છેક તમિલનાડુથી પરિવહન કરીને મંગાવવા પડતા હતા, જેમાં લાંબા અંતરના કારણે ૭૦ થી ૮૦ ટકા જેટલા બીજ રસ્તામાં જ નાશ પામતા હતા. મણાર કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર ખાતે સ્થાપિત આ નવી સીડ લેબ આ ગંભીર વૈજ્ઞાનિક અને આર્થિક પડકારનો કાયમી ઉકેલ લાવશે. આ પ્રયોગશાળા આધુનિક ટાંકીઓ કે જે (8×1KL, 2×3KL અને 5KL) ના અત્યાધુનિક નેટવર્ક દ્વારા ‘Gracilaria dura’ નામની મૂલ્યવાન શેવાળની પ્રજાતિના માત્ર ૦.૫ સેન્ટીમીટરના ટુકડામાંથી ૩ સેન્ટીમીટરના સ્વસ્થ અને મજબૂત છોડ વિકસાવીને સમુદ્રમાં વાવેતર માટે સીધા ઉપલબ્ધ કરાવશે.
૧૦ લાખ બીજ ઉત્પાદનનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે .
આ પ્રસંગે પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રેસિડેન્ટ ડૉ. પી. કે. શુક્લા અને CSIR-CSMCRI ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર દ્વારા આગામી સમયમાં ૧૦,૦૦,૦૦૦ (૧૦ લાખ) શેવાળના બીજ ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે, જે ગુજરાતના ૫ સક્રિય દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતીને સીધો વેગ આપશે. અત્યાર સુધી આ કેન્દ્ર દ્વારા દરિયાકાંઠાના ૧૮૪ થી વધુ ખેડૂતો અને માછીમારોને આ આધુનિક ખેતી અંગે વિશેષ તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે.
કાર્યક્રમ દરમિયાન, CSIR-CSMCRI ના ડિરેક્ટર દ્વારા ચેરમેન મધુકરભાઈ પારેખને એક વિશેષ ‘પ્રશંસા પત્ર’ (Certificate of Appreciation) એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મણાર કેન્દ્ર અને વૈજ્ઞાનિકોના આ સંયુક્ત જમીન આધારિત પ્રયોગની સફળતાની નોંધ Springer Nature જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સાયન્ટિફિક જર્નલમાં પણ લેવાઈ ચૂકી છે. ચેરમેન શ્રી મધુકરભાઈ પારેખ અને તેમના પરિવારે ગ્રામીણ ઉત્થાન, મહિલા નેતૃત્વવાળા સાહસો અને ટકાઉ ગ્રામીણ વિકાસના આ સ્કેલેબલ મોડેલની ભારોભાર પ્રશંસા કરી કેન્દ્રની પ્રવૃત્તિઓને હૃદયપૂર્વક બિરદાવી હતી.
કેન્દ્રની સિદ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા: કાર્યક્રમ દરમિયાન, મણાર કેન્દ્રના વડા (Chief) ડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોને કેન્દ્રની વિવિધ ક્ષેત્રીય પ્રવૃત્તિઓ, ચાલી રહેલા સંશોધનો અને ખેડૂતલક્ષી નોંધપાત્ર સિદ્ધિઓ વિશે રૂબરૂમાં વિગતવાર માહિતી આપી માહિતગાર કર્યા હતા, જેને તમામ મહાનુભાવોએ ખૂબ બિરદાવી હતી.
વિવિધ પ્રવૃત્તિઓની મુલાકાત અને પ્રશંસા: આ ગૌરવશાળી મુલાકાત દરમિયાન માનનીય ચેરમેન સાહેબ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયોગશાળાઓ અને પ્રદર્શન ક્ષેત્રોની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ખેડૂત સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસના નૂતન અભિગમોને પ્રત્યક્ષ નિહાળીને કેન્દ્રની સમગ્ર કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
આ ઐતિહાસિક સિદ્ધિ સાથે, પીડિલાઇટ સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર સમગ્ર ગુજરાતમાં ક્લાયમેટ-સ્માર્ટ ઇનોવેશન, દરિયાઈ સંસાધનોની આત્મનિર્ભરતા અને ગ્રામીણ સશક્તિકરણનું એક મજબૂત વૈશ્વિક મોડેલ બનીને ઉભર્યું છે.

















Recent Comments